Vadodara

વડોદરા પાલિકામાં ‘લોકશાહી’ ટર્મ પૂર્ણ: હવે શાલિની અગ્રવાલના હાથમાં વડોદરાનો વહીવટ

​પદાધિકારીઓની ગાડીઓ જમા અને ઓફિસો ખાલી; નવા વહીવટદાર આજથી સંભાળશે મોરચો

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા હવે પાલિકાનો વહીવટ સત્તાવાર રીતે વહીવટદાર હસ્તક ગયો છે. ગુજરાત સરકારના આદેશ અનુસાર, ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી અને વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મંગળવાર તારીખ 10 થી તેઓ વડોદરા પાલિકાના તમામ નીતિવિષયક નિર્ણયો લેશે.
સોમવારે રાત્રે 12 વાગ્યે બોર્ડની મુદત પૂરી થતાની સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય હોદ્દેદારોનું અસ્તિત્વ પૂર્ણ થયું છે. નિયમ મુજબ, તમામ પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ જમા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, હોદ્દેદારોએ પોતાની ઓફિસો ખાલી કરી દીધી છે અને પાંચ વર્ષ દરમિયાનના જરૂરી દસ્તાવેજો તથા સાહિત્ય સેક્રેટરી વિભાગને સુપરત કરી દીધું છે.
પાલિકાના સેક્રેટરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વહીવટદારની નિમણૂકથી પાલિકાના રોજિંદા કામકાજ પર કોઈ વિપરીત અસર પડશે નહીં. જે રીતે અગાઉ સ્થાયી સમિતિ અને સામાન્ય સભા મળતી હતી, તે જ રીતે હવે વહીવટદારની અધ્યક્ષતામાં બેઠકો યોજાશે અને વિકાસના કામો ચાલુ રહેશે.
શાલિની અગ્રવાલ સિનિયર આઈએએસ ઓફિસર હોવાથી તેમની પાસે અન્ય મહત્વની જવાબદારીઓ પણ છે, તેથી તેઓ રોજિંદા ધોરણે પાલિકા કચેરીએ હાજર નહીં રહે. મહત્વની મીટિંગો ઓનલાઈન માધ્યમ અથવા ઝૂમ એપ દ્વારા કરવામાં આવશે. વહીવટદાર જ્યારે પણ નક્કી કરશે ત્યારે જરૂરી મીટિંગોનું આયોજન કરવામાં આવશે, જેથી વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં.
આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે સેક્રેટરી વિભાગે જણાવ્યું કે, હાલમાં તેમની પાસે કોઈ સત્તાવાર માહિતી નથી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top