અકસ્માત સર્જી ચાલક ફરાર,કારનું આગળના ભાગે કચ્ચરઘાણ વળી ગયું :
લક્ષ્મીપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથધરી




( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરમાં ફરી અકસ્માતનો કહેર જોવા મળ્યો છે. ગોત્રી વિસ્તારમાં ઓસિયા મોલ સામે મધરાત્રીએ એક કાર ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઇડની દુકાનો પાસે કાર અથડાઈ ગઈ હતી. જેના કારણે ભારે નુકસાન થયું હતું. સાથે કારના આગળના ભાગનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રાત્રે અકસ્માતનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. ઓસિયા મોલ સામે રોડ સાઇડની દુકાનો પાસે એક કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ધડાકાભેર દુકાનોમાં ભટકાઈ ગઈ હતી. જેમાં કારનો આગળના ભાગનું કચરઘાણ વળી ગયું હતું અને આસપાસના વેપારીઓને નુકસાન થયું હતું. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માતને પગલે એર બેગ પણ ખુલી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કાર ફુલ સ્પીડમાં ચાલતી હતી, જેના કારણે અકસ્માત થયો હતો. અચાનક જ કાર આવીને દુકાનો પર અથડાઈ ગઈ હતી. સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા ટળી હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો. ઘટના બાદ કાર ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.