ગાંધીનગર, તા.9
રાજ્યમાં અનુસૂચિત જનજાતિના (ST) ખોટા પ્રમાણપત્રો સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2020ના નિયમો અમલમાં આવ્યા બાદ થરુટી ચકાસણી સમિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 172 ખોટા પ્રમાણપત્રો રદ કર્યા હોવાનીં માહિતી સરકાર દ્વારા વિધાનસભામાં રજુ કરવામાં આવી હતી.
વિધાનસભામાં વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર પટેલના પ્રશ્નના લેખિત જવાબમાં આદિજાતિ મંત્રીએ જણાવ્યું હતુ કે તા. 1લી જાન્યુઆરી 24 થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન 79 ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા હતા. જ્યારે 1લી જાન્યુઆરી 25 થી 31મી ડિસેમ્બર 25 દરમિયાન 93 પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા હતા. આમ બે વર્ષમાં કુલ 172 ખોટા ST પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.
રદ થયેલા પ્રમાણપત્રોમાં સૌથી વધુ કેસ રબારીના 38, ડુંગરી ગરાસિયાના 34 અને ભીલના 32 સમુદાયના હતા. આ ઉપરાંત બરોડિયાના 11, બાવાના 8, ઢેબરિયા કોળીના 6 અને ભરવાડના 4 જેવા અન્ય સમુદાયોના પણ કેટલાક કેસ નોંધાયા છે.
તે સિવાય ટોકરે કોળી, ગામીત, સીદ્દી, કોળી રાઠવા, ક્ષત્રિય માલીવાડ, બારીયા કોળી, બારીયા ક્ષત્રિય, દહિંદુખાંટ, દહિંદુડામોર, કોળી ડામોર, બજાણિયા નાયક, તળપદા કોળી, પટેલીયા સહિત અનેક જાતિઓના એકથી બે જેટલા પ્રમાણપત્રો પણ ખોટા હોવાનું જણાતા રદ કરવામાં આવ્યા છે.
અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ચકાસણી માટે રચાયેલી સમિતિ દ્વારા કડક તપાસ કરવામાં આવે છે અને ખોટા પ્રમાણપત્રો સામે આવતાં તેને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.