Vadodara

વડોદરામાં ‘રફતાર’નો આતંક, અલકાપુરીમાં કારનો ભયાનક અકસ્માત, કારની બન્ને એરબેગ્સ ખૂલી ગઈ

પુરપાટ દોડતી કારનો અકસ્માત, ક્યાં સુધી નિર્દોષોના જીવ જોખમમાં મુકાશે ?

(પ્રતિનિધિ), વડોદરા. તા.10

વડોદરામાં જાણે ગતિની મર્યાદા નેવે મુકાઈ હોય તેમ માર્ગ અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી કુંજ સોસાયટી પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલી કારના અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે કારની બંને એરબેગ્સ ઘટનાસ્થળે જ ખૂલી ગઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, અલકાપુરીની કુંજ સોસાયટી પાસે એક મારુતિ ડિઝાયર કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા કોઈ અન્ય કારણોસર કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સુરક્ષા માટે આપવામાં આવેલી બંને એરબેગ્સ સમયસર ખૂલી જવાથી અંદર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જોકે, કારને વ્યાપક નુકસાન થયું છે, જે જોતા અકસ્માત સમયે કારની ગતિ કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. અકસ્માત કયા સંજોગોમાં થયો, શું ચાલક નશાની હાલતમાં હતો કે પછી અન્ય કોઈ વાહનને બચાવવા જતાં આ દુર્ઘટના ઘટી, તે અંગે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ હવે આ મામલે સીસીટીવી ફૂટેજ અને પંચનામાની મદદથી તપાસ હાથ ધરશે. પોલીસ કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે. વડોદરામાં રાત્રિના સમયે ખાલી રસ્તાઓ જોઈને વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારે છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ‘રેસિંગ’ અને ‘સ્પીડિંગ’ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. સ્થાનિક રહીશોમાં ચર્ચા છે કે, શું ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટ અને લાઈસન્સ ચેક કરવા પૂરતી જ સીમિત છે ? રાત્રિના સમયે સ્પીડ ગન અને પેટ્રોલિંગ વધારવામાં કેમ નથી આવતું ? રફતારના આ કહેરને રોકવા માટે તંત્ર ક્યારે કડક પગલાં લેશે ? અલકાપુરી જેવો શાંત અને રહેણાંક વિસ્તાર જ્યારે આવા ભયાનક અકસ્માતોનો સાક્ષી બને છે, ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થાય છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ? હવે જોવું એ રહ્યું કે વડોદરા પોલીસ આ અકસ્માત બાદ સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કેવા ‘ધારદાર’ પગલાં ભરે છે.

Most Popular

To Top