સગીર કારચાલકને ઝડપી પાડીને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
વડોદરા તારીખ 9
વડોદરા શહેરમાં અમિત નગર સર્કલ પાસે મોડી રાત્રિના સમયે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. હોન્ડા સિટી કાર ચલાવતા સગીર ચાલકે બેફામ રીતે કાર હંકારી રાહદારીઓ સહિત અંદાજે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

રક્ષિત કાંડને હાલમાં હોળીના દિવસે જ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે હોળીના તહેવારને અત્યારે પાંચ થી સાત દિવસ થયા છે અને ત્યારે ફરી અમિતનગર સર્કલ પાસે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો હોય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અકસ્માતના પગલે અમિત નગર સર્કલ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પોલીસ દ્વારા કાર ચલાવતા સગીર ચાલકને ઝડપી લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.