દશરથમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને હાલાકી
છાણી ફીડરનો હેલ્પલાઇન નંબર સતત વ્યસ્ત રહેતા લોકો રાત્રી ઉજાગરા કરવા મજબુર
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
માર્ચ મહિનામાં ઉનાળાની હજી શરૂઆત છે. તેવામાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠી છે અને તેમાંય સંબંધિત વીજ કંપનીની કચેરીમાં કોઈ ફોન ઉપાડતું નથી તેમજ ફોન વ્યસ્ત આવી રહ્યો હોવાના આક્ષેપોનો દોર પણ શરૂ થયો છે. ત્યારે, અવારનવાર વીજળી ગુલ થતા રહીશો હાલાકી વેઠવા મજબુર બન્યા હતા.
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધવા માંડ્યો છે. માર્ચમાં ઉનાળો ભરપૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે, બીજા સપ્તાહમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ ગરમીની શરૂઆત થઈ છે, તો સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી અવારનવાર કુલ થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. શહેર નજીક આવેલા દશરથ ગામે પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની શરૂઆત એ વીજળી ગુલ થવાની સમસ્યા યથાવત જોવા મળી છે. મધરાત્રિએ લાઈટો જતા રહીશો હેરાન પરેશાન થયા હતા. દશરથ ગામ ખાતે રહેતા હિતેન ભાઈએ જણાવ્યું હતું કે, હજી તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં ગરમી વધશે. એવામાં તો અમારી ત્યાં કલાકો સુધી લાઇટો ગુલ થવાનું શરૂ થઈ ગયું છે. એમજીવીસીએલના છાણી ફીડરમાં ફરિયાદ કરવા માટે ફોન કર્યો હતો, તો સતત ફોન વ્યસ્ત આવ્યો હતો. એક તરફ વીજ કંપની ઉઘરાણી માટે તો નીકળે છે. લોકો પણ સમયસર બિલો ભરતા હોય છે. પરંતુ તેમને પૂરતી સગવડો મળતી નથી. ગઈકાલે પણ અમારી ત્યાં દિવસ દરમિયાન ચાર કલાક સુધી લાઇટો આવી ન હતી. રાત્રે પણ લાઈટ ગુલ થઈ હતી. જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.