ગ્રાહકે ઘરે જઈ પાર્સલ ખોલતા જ સ્તબ્ધ થઈ ગયો; તપાસમાં ખુલ્યું કે હોટલનું FSSAI લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું છે



વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી હોટલ સર્વોત્તમ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે હોટલમાંથી ઘરે મંગાવેલા જમવાના પાર્સલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રાહકે ઘરે જઈને પાર્સલ ખોલતા જ સબ્જીમાંથી જીવતું જીવડું નીકળ્યું હતું. આ ઘટના બાદ જાગૃત ગ્રાહકે હોટલની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે હોટલનું ફૂડ લાયસન્સ (FSSAI) પણ પૂરું થઈ ગયું છે, છતાં બેરોકટોક ખાણી-પીણીનો ધંધો ચાલી રહ્યો છે.
તરસાલી વિસ્તારના એક રહીશે હોટલ સર્વોત્તમમાંથી પરિવાર માટે જમવાનું પાર્સલ લીધું હતું. ઘરે જઈને જ્યારે જમવા માટે સબ્જીનું પેકિંગ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં મોટું જીવડું તરતું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈ ગ્રાહક અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યા હતા. જો ગ્રાહકે ધ્યાન ન આપ્યું હોત તો મોટી સ્વાસ્થ્ય સંબંધી હોનારત સર્જાઈ શકી હોત.
આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રાહકે જ્યારે ઓનલાઈન તપાસ કરી ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. હોટલ સર્વોત્તમનું સંચાલન કરવા માટે જરૂરી એવું FSSAI લાયસન્સ પણ રદ થઈ ગયું છે અથવા તેની મુદત પૂરી થઈ ગઈ છે. આમ, લાયસન્સ વગર જ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ આ પહેલીવાર નથી જ્યારે હોટલ સર્વોત્તમ વિવાદમાં આવી હોય. અગાઉ આ જ હોટલના સૂપમાંથી ગરોળી નીકળવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. વારંવાર આવી ગંભીર ફરિયાદો ઉઠવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવતા નથી તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
હોટલ સંચાલકોની આ ઉઘાડી લૂંટ અને બેદરકારી સામે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માં ફરિયાદ કરી છે. ગ્રાહકોની માંગ છે કે આ હોટલ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી અન્ય કોઈ પરિવારના સ્વાસ્થ્ય સાથે આવા જોખમી પ્રયોગો ન થાય.