Vadodara

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલદારા ખાતે ૨૬ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન

મહિલા ગૌરવ દિવસ”ની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર ૨૬ મહિલાઓ સન્માનિત કર્યા

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલદારા સેવા કેન્દ્ર દ્વારા “મહિલા ગૌરવ દિવસ”ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેરમાં શિક્ષણ, આરોગ્ય, કલા તથા સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારી ૨૬ પ્રતિભાશાળી અને સશક્ત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ. અરુણા બહેને દેવીઓના આઠ હાથોના આધ્યાત્મિક અર્થને સમજાવતા જણાવ્યું કે દરેક સ્ત્રીમાં અનેક શક્તિઓ રહેલી છે. આઠ પ્રાથમિક આધ્યાત્મિક શક્તિઓ દેવીઓના આઠ હાથનું પ્રતિક છે અને જ્યારે સ્ત્રીઓ આ શક્તિઓને જીવનમાં સ્વીકારે છે ત્યારે તેઓ શક્તિનું સ્વરૂપ બની જાય છે.
વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા રાજયોગિની અમર દીદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે શહેરની ૨૬ અગ્રણી મહિલાઓમાં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, સુમનદીપ યુનિવર્સિટીની પ્રોફેસર ડૉ. મેઘનાબેન જોશી, બિલાબોંગ સ્કૂલની પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન શ્રીમલ, મા શક્તિ ગરબા ગ્રુપના ડિરેક્ટર આરતીબેન ઠક્કર, પી.પી. શ્રોફ ગ્રુપની માલિક પરેશાબેન ઠક્કર તથા બી.કે. રિયાબેન વૈદ્ય સાથે વડોદરા શહેરમાં શિક્ષણ, આરોગ્ય, કલા તથા સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારી ૨૬ મહિલાઓને સ્ટેજ પર આમંત્રિત કરીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું.
ડૉ. મેઘનાબેન જોશીએ જણાવ્યું હતું કે જીવનના સંઘર્ષોમાં આત્મસન્માન સ્ત્રીની સૌથી મોટી શક્તિ છે. મજબૂત મનોબળ જાળવીને પરસ્પર સહયોગ અને પરામર્શથી આગળ વધવું જોઈએ. ડૉ. પ્રીતિબેન શ્રીમલે કહ્યું કે સ્ત્રીમાં સહજ રીતે શક્તિ રહેલી છે, પરંતુ સાથે પોતાના મહત્વને ઓળખવું અને સ્વમાન જાળવવું પણ એટલું જ જરૂરી છે. મા શક્તિ ગરબા ગ્રુપના ડિરેક્ટર આરતીબેન ઠક્કરે જણાવ્યું હતું કે સ્ત્રીઓને જીવનમાં માતા, બહેન, પત્ની જેવી અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે, તેથી માનસિક શાંતિ માટે ધ્યાન અને આધ્યાત્મિકતા જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત વક્તા બી.કે. શિવાની દીદીનો પ્રેરણાદાયી વિડિયો સંદેશ દર્શાવવામાં આવ્યો. ત્યારબાદ અમર દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે જીવનમાં અનેક દુઃખોનું મૂળ અહંકાર છે. અહંકાર અંધકાર સમાન છે, જ્યારે દૈવી જ્ઞાન પ્રકાશ છે. તેથી આંતરિક પ્રકાશને જાગૃત કરીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા “મહિલા સશક્તિકરણ, આધુનિકતા અને સંસ્કૃતિનો સંગમ” વિષય પર સુંદર નાટ્યપ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ સરાહ્યું.

Most Popular

To Top