Gujarat

ગુજરાતમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી

ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 35થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભૂજમાં નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન કેશોદમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ કેશોદમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ રહેતાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ ભૂજમાં 39 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 37 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી તેમજ સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 35 ડિગ્રી, મહુવામાં 34 ડિગ્રી, કંડલા પોર્ટ પર 35 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદર અને દમણમાં 32 ડિગ્રી તેમજ વલ્લભ વિદ્યાનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે. સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 9 અને 10 માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં, જ્યારે 9થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે, જેના કારણે લોકોને ઉકળાટભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે કે 9થી 12 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને રાજકોટ અને કચ્છ જિલ્લામાં તેમજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા અને સુરત જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર જોવા મળી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને ખાસ કરીને બપોરના સમયે સાવચેતી રાખવા, પૂરતું પાણી પીવા અને તીવ્ર ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.

Most Popular

To Top