World

ઈરાનના ઓઇલ ડેપો પર હુમલા બાદ અમેરિકા-ઇઝરાયલ વચ્ચે મતભેદના અહેવાલ, તેહરાનમાં સ્થિતિ ગંભીર

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા ઈરાનના ઓઈલ ડેપો અને રિફાઈનરીઓને નિશાન બનાવીને કરાયેલા હુમલાઓને કારણે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મતભેદ ઉભા થયા હોવાની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં ઇઝરાયલને ખુલ્લું સમર્થન આપતું અમેરિકા હવે ઇઝરાયલની કેટલીક સૈન્ય કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કરી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે. અહેવાલો મુજબ, 28 ફેબ્રુઆરીથી ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓમાં ઈરાનના સૈન્ય અને વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે તાજેતરમાં ઇઝરાયલે ઈરાનના મહત્વના તેલ ડેપો અને રિફાઈનરીઓ પર હુમલો કરતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. અમેરિકી વહીવટીતંત્રનું માનવું છે કે આવા હુમલાઓ યુદ્ધને વધુ ભડકાવી શકે છે અને આની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડી શકે છે. અમેરિકાના કેટલાક અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારના હુમલાઓથી માનવીય સંકટ ઊભું થઈ શકે છે અને સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધી શકે છે. તેલ ડેપો અને રિફાઈનરીઓ પર હુમલા થવાને કારણે આગ અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર પણ વધ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાનમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થઈ ગઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી રહી છે. વિશ્લેષકોના મતે, ઈરાનના તેલ ઠેકાણાઓ પર થતા હુમલાઓનો અસર વૈશ્વિક તેલ બજાર પર પણ પડી શકે છે. જો સંઘર્ષ વધુ લાંબો ચાલે અથવા હુમલાઓ વધે તો મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધી શકે છે. હાલ વિશ્વના અનેક દેશો આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વિસ્તારની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top