પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષાના પાયા હચમચાવી દીધા છે. ભારત માટે આ માત્ર રાજદ્વારી પડકાર નથી, પરંતુ આર્થિક અસ્થિરતાનું મોટું તોફાન છે. આ સંઘર્ષની સીધી અસર ભારતના ક્રૂડ ઓઇલના સપ્લાય અને મોંઘવારી પર જોવા મળી રહી છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના વેપારનું લગભગ 20% અને ભારતની જરૂરિયાતનું અડધાથી વધુ તેલ હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થાય છે.
ઇરાન દ્વારા આ રૂટ પર નિયંત્રણ કે અવરોધ ઊભો કરવાની ચેતવણીએ તેલના ભાવમાં જોરદાર ઉછાળો આણ્યો છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં જ બ્રેન્ટ ક્રૂડના ભાવ $90 થી $95 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું 85-88% ક્રૂડ આયાત કરે છે, તેથી તેલના ભાવમાં દર $1 નો વધારો ભારત પર વાર્ષિક અંદાજે રૂ.16,000 કરોડનો વધારાનો આર્થિક બોજ નાખે છે. આ મુશ્કેલ સમયમાં ભારતની રણનીતિ ફરી એકવાર રશિયા તરફ વળી છે.
રશિયન ક્રૂડ અત્યારે ભારત માટે ‘સેફ્ટી વાલ્વ’ સમાન સાબિત થઈ રહ્યું છે. અમેરિકાએ ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા માટે આપેલી વિશેષ છૂટ છતાં, લોજિસ્ટિક્સ અને વીમાના પ્રીમિયમમાં થતો વધારો રિફાઇનરીઓના નફા પર કાતર ફેરવી રહ્યો છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ સસ્તું તેલ પણ ભારતને મોંઘું પડી શકે છે.ભારત પાસે અત્યારે 25 થી 50 દિવસનો ક્રૂડ અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સનો સ્ટોક ઉપલબ્ધ છે, જે ટૂંકા ગાળાની રાહત આપે છે. પરંતુ જો ખાડીના દેશોમાંથી આવતો પુરવઠો લાંબો સમય ખોરવાશે તો ભારતમાં ક્રૂડની અછત સર્જાશે.
પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો સરકારી ઓઇલ કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ વધશે. રાંધણ ગેસના સપ્લાયમાં પણ અવરોધ આવી શકે છે, કારણ કે ભારત ઘણો ખરો ગેસ કતાર અને UAE થી મંગાવે છે. પરિવહન ખર્ચ વધતા ખાદ્ય ચીજો અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની સમુદ્રધુની વિશ્વના તેલ વેપાર માટેની સૌથી મહત્વની નળી છે. વિશ્વના કુલ તેલ વપરાશનો અંદાજે ૨૦% થી ૨૫% હિસ્સો અહીંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ (UAE) અને કુવૈત જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પોતાનું ક્રૂડ ઓઈલ આ માર્ગે જ એશિયા અને યુરોપના દેશોમાં મોકલે છે.
જો આ માર્ગ માત્ર થોડા દિવસો માટે પણ બંધ થાય, તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ભારત માટે આ જળમાર્ગ તેની ‘લાઇફલાઇન’ સમાન છે. ભારતના કુલ ક્રૂડ ઓઈલની આયાતનો લગભગ ૫૦% થી ૬૦% હિસ્સો આ માર્ગે આવે છે. ભારત માત્ર તેલ જ નહીં, પરંતુ રાંધણ ગેસ (LPG) અને નેચરલ ગેસ (LNG) માટે પણ કતાર અને યુએઈ જેવા દેશો પર નિર્ભર છે, જેનો પુરવઠો હોર્મુઝમાંથી જ પસાર થાય છે. તેથી, આ વિસ્તારમાં થતી કોઈપણ સૈન્ય હિલચાલ સીધી ભારતના સામાન્ય નાગરિકના રસોડાના બજેટ પર અસર કરે છે.
૨૦૨૬ના પ્રારંભિક મહિનાઓમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિને કારણે હોર્મુઝમાં અવરોધો ઊભા થયા છે. ઈરાને અનેકવાર આ માર્ગ બંધ કરવાની ધમકી આપી છે. જ્યારે પણ આ વિસ્તારમાં ટેન્કરો પર હુમલા થાય છે અથવા નૌકાદળની જપ્તી થાય છે, ત્યારે વીમા પ્રીમિયમ અને શિપિંગ ખર્ચમાં ધરખમ વધારો થાય છે. આનાથી ભારતીય રિફાઇનરીઓ માટે તેલ મોંઘું બને છે, જે અંતે પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં પરિણમે છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા ભારત બે સ્તરે કામ કરી રહ્યું છે.
વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોત: ભારત હવે ખાડી દેશો પરની નિર્ભરતા ઘટાડી રશિયા અને આફ્રિકન દેશો પાસેથી વધુ તેલ મંગાવી રહ્યું છે.સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની વાત કરીએ તો કટોકટીના સમયે કામ લાગે તે માટે ભારતે ભૂગર્ભમાં તેલનો મોટો જથ્થો સંગ્રહિત કર્યો છે, જે અંદાજે ૧૦ થી ૧૫ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે છે. નૌકાદળની ભૂમિકા: ભારતીય નૌકાદળ ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ ભારતીય તેલ ટેન્કરોને હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર કરવા માટે સુરક્ષા પૂરી પાડી રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટના ઇતિહાસ પર નજર કરીએ તો શરૂઆતમાં આ વિસ્તાર સ્થાનિક પર્સિયન (ઈરાની) અને આરબ શાસકોના નિયંત્રણમાં હતો. ૧૦મી થી ૧૫મી સદી દરમિયાન, અહીં ‘હોર્મુઝના રાજાઓ’ (Kingdom of Ormus) નું શાસન હતું, જેઓ આ વિસ્તારના વેપાર પર પકડ ધરાવતા હતા. હોર્મુઝના ઇતિહાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોર્ટુગીઝોએ તેના પર આક્રમણ કર્યું. ૧૫૦૭માં પોર્ટુગીઝ સેનાપતિ અફોન્સો ડી અલ્બુકર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
૧૫૧૫ સુધીમાં પોર્ટુગીઝોએ અહીં સંપૂર્ણ કબજો જમાવી લીધો અને એક મજબૂત કિલ્લો બનાવ્યો હતો. લગભગ ૧૦૦ વર્ષથી વધુ સમય સુધી આ મહત્વપૂર્ણ વેપારી માર્ગ પોર્ટુગીઝોના હાથમાં રહ્યો. ૧૬૨૨માં, ઈરાનના સફાવિદ વંશના શાસક શાહ અબ્બાસ પ્રથમ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદ લઈને પોર્ટુગીઝોને અહીંથી હાંકી કાઢ્યા. ત્યારબાદ તે ઈરાન (પર્સિયા) ના શાસન હેઠળ આવ્યું હતું. વર્તમાન સમયમાં હોર્મુઝ ટાપુ અને સામુદ્રધુનીનો ઉત્તર ભાગ ઈરાનના સાર્વભૌમત્વ હેઠળ છે, જ્યારે તેનો દક્ષિણ ભાગ ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની જળસીમાઓને સ્પર્શે છે.
દુનિયાને વીસ ટકા તેલ પૂરુ પાડતા જહાજો હોર્મુઝમાંથી જ પસાર થાય છે. હોર્મુઝમાંથી તેલના ટેન્કરોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. જોઈન્ટ મેરીટાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર (JMIC)ના 6 માર્ચના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં આ માર્ગેથી માત્ર બે કોમર્શિયલ જહાજો પસાર થયા છે. આ બંને માલવાહક જહાજો હતા. આ સમયગાળા દરમિયાન કોઈ તેલ ટેન્કર ત્યાંથી પસાર થયું ન હતું. સામાન્ય રીતે આ માર્ગેથી દરરોજ ડઝનબંધ વિશાળ તેલ ટેન્કરો પસાર થાય છે.