Vadodara

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે જ રિક્ષામાંથી ચોરી કરનાર બે શખ્સો ઝબ્બે

​પોલીસની ‘શી ટીમ’ના ડ્રાઇવરની રિક્ષાને જ તસ્કરોએ નિશાન બનાવી; CCTVના આધારે ગણતરીના કલાકોમાં ધરપકડ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં તસ્કરો હવે પોલીસ સ્ટેશનની બહાર પણ ચોરી કરતા ખચકાતા નથી. શહેરના વ્યસ્ત ગણાતા સયાજીગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે પાર્ક કરેલી એક ઓટોરિક્ષામાંથી બેટરી અને સ્પેર વ્હીલ સહિતના સામાનની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યા છે. નવાઈની વાત એ છે કે, જે રિક્ષામાં ચોરી થઈ તે પોલીસની ‘શી ટીમ’માં ફરજ બજાવતા ડ્રાઇવરની હોવાનું સામે આવ્યું છે.
મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ રાઠવા પોલીસની ‘શી ટીમ’ માં ડ્રાઇવર તરીકે કાર્યરત છે. તેઓ પોતાની નોકરી પર જવા-આવવા માટે અંગત ઓટોરિક્ષાનો ઉપયોગ કરે છે. ગત 6 માર્ચના રોજ વિનોદભાઈ રાબેતા મુજબ ફરજ પર હાજર થયા હતા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે રોડની સાઈડમાં પોતાની રિક્ષા પાર્ક કરી હતી.
​બીજા દિવસે સવારે જ્યારે તેઓ રિક્ષા પાસે પહોંચ્યા ત્યારે જોયું તો રિક્ષામાં રાખેલું સ્પેર વ્હીલ, બેટરી તેમજ પાના-પક્કડનો સેટ ગાયબ હતા. પોલીસ સ્ટેશનની સામે જ થયેલી આ ચોરીને પગલે ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સ્ટેશનની આસપાસ અને માર્ગ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા મહત્વની કડી હાથ લાગી હતી. ફૂટેજમાં દેખાયું હતું કે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ બે શખ્સો રિક્ષા પાસે આવ્યા હતા અને તેમાંથી સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા.
સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે રીઢા શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં:
​સાવંત સુરેશભાઈ વાઘેલા (રહે. ટ્રાફિક ઓફિસ સામે ફૂટપાથ ઉપર, વડોદરા)
​વિનાયક વિનોદ સુરેલા (રહે. નવાપુરા, મૂળ રહે. રાજસ્થાન)
​પોલીસે આ બંને શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી, તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનની બહાર જ ચોરીની હિંમત કરનાર આ શખ્સો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top