Vadodara

આઈસીએઆઈ દ્વારા સીએ ઈન્ટરનું 18.86 % અને ફાઉન્ડેશનનું 23.42 % પરિણામ જાહેર

શહેરના વિદ્યાર્થીઓએ ફરી એક વખત સમગ્ર દેશમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું

સીએ ઈન્ટરમાં 251 અને ફાઉન્ડેશનમાં 296 વિદ્યાર્થીઓ પાસ થયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી સીએ ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ફરી એક વખત વડોદરાના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. ઈન્ટરનું 18.86 ટકા અને ફાઉન્ડેશનનું 23.42 ટકા પરિણામ નોંધાયું હતું.

આઈસીએઆઈ દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી સીએ ઈન્ટરમિડીએટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યા હતા. ઈન્ટરમિડીએટમાં આ વખતે શહેરમાંથી 1331 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 251 વિદ્યાર્થીઓ પાસ થયા છે.જેનું 18.86 ટકા પરિણામ નોંધાયું હતું. જ્યારે ઓલઓવર ઈન્ડિયાનું ઈન્ટરમિડીએટનું પ્રથમ ગ્રુપનું 13.96 ટકા ,દ્વિતીય ગ્રુપનું 15.54 ટકા અને બંને ગ્રુપના મળી 9.39 ટકા પરિણામ નોંધાયું હતું. જાન્યુઆરીમાં લેવાયેલી ઈન્ટરમિડીએટની પરીક્ષામાં શહેરના ત્રણ ટોપરોએ દેશના ટોપ 50માં પોતાનું સ્થાન મેળવ્યું હતું. જેમાં દ્રષ્ટિ જીજ્ઞેશ ગાંધી 451 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયામાં-21 અને સિટી રેન્ક 1, રેહાનખાન ફરીદખાન પઠાણ 446 માર્ક્સ સાથે ઓલ ઈન્ડીયા 26 અને સિટી રેન્ક 2 અને અમાન યુસુફઅલી ટીનવાલા 425 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયામાં 44 અને સિટી રેન્ક 3 સાથે સફળતા મેળવી હતી. જ્યારે સીએ ફાઉન્ડેશનમાં આ વખતે 1264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 296 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરતા 23.42 ટકા પરિણામ નોંધાયું હતું. ફાઉન્ડેશનની પરીક્ષામાં વડોદરા શહેરમાંથી નિત્યા વ્રજેશ જોષીએ 347 માર્ક સાથે ઓલ ઇન્ડિયામાં 347 માર્ક્સ સાથે 12મો રેન્ક અને સિટી રેન્ક 1 મેળવ્યો છે. જ્યારે અનિશા મંગલસિંહ રાજપુરોહિત 332 માર્ક સાથે સિટી રેન્ક 2 અને મોહમ્મદસિદ્ધિક બોમ્બેવાલાએ 329 માર્ક્સ સાથે સિટી રેન્ક 3 મેળવ્યો હતો. ઈન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી. નોંધનીય છે કે, ગત સપ્તાહે ફાઈનલના પરિણામમાં પણ દેશના ટોપ 50ની હરોળમાં વડોદરાના 5 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી શહેરને ગૌરવ અપાવ્યું હતું.

અભ્યાસ દરમિયાન બ્રેક લેતી ત્યારેજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી :

ઓલ ઈન્ડિયામાં મારો રેન્ક 21મો અને 600 માંથી મને 451 માર્ક્સ મળ્યા છે. સીટી ટોપર બની છું. મને ખુબ ખુશી છે. દરરરોજના પાંચથી છ કલાક હું અભ્યાસ કરતી હતી. અભ્યાસ દરમિયાન બ્રેક લેતી ત્યારેજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. ફોકસથી વાંચતી હતી જેટલું વાંચતી હતી એટલું ઈફેક્ટિવલી વાંચન હતું મારું. ફાધર બિઝનેસમેન અને મધર હોમ મેકર છે. : દ્રષ્ટિ ગાંધી, એર-21

ડીઝલ પંપ મિકેનિકના પુત્રે ઈન્ટરમીડીએટમાં દેશમાં 26મો ક્રમાંક મેળવ્યો :

સીએ ઈન્ટરમિડીએટની પરીક્ષા આપી, એમાં ઓલ ઈન્ડિયા રેન્ક 26મો અને બરોડામાં બીજો રેન્ક મળ્યો છે. મહેનત આટલી બધી કરી છે. જેનું આ પરિણામ મળ્યું છે. જેનો મને સંતોષ છે. આશરે સમગ્ર પરિવારને જાય છે સીએ હું એકલો કરી રહ્યો છું, પણ મારી સાથે સાથે આખું પરિવાર જોડાયેલો રહે છે. હું ગોધરાનો છું પણ મારા ફોઈની ત્યાં રહીને અભ્યાસ કરું છું. દરરોજનું વાંચન 12 કલાકનું થઈ જતું હતું. અમુક વખત પછી પણ જાય ફર્સ્ટ એટેમ્પ માં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવો એ મારો ગોલ હતો. મારા પિતા ડીઝલ પંપના મિકેનિક છે અને માતા હાઉસવાઈફ છે. આજે આ પરીક્ષા પાસ કરી છે મારા પરિવારમાં બધા ખૂબ જ ખુશ છે. : રેહાન પઠાણ,એર-26

ભગવાનના આશીર્વાદ વિના આ શક્ય ન હતું :

ઓલ ઇન્ડિયામાં 12મો રેન્ક અને સીટી રેન્ક 1 સાથે ફાઉન્ડેશનની પરીક્ષામાં સક્સેસફૂલી રીઝલ્ટ સાથે પાસ થઈ છું. આ બધી જ ક્રેડિટ ભગવાનને જાય છે. કારણ કે, એમના આશીર્વાદ વગર આ શક્ય જ ન હતું. બીજો મારા માતા-પિતા અને મારી બહેનનો હું આભાર માનીશ, મારા મમ્મી દરરોજ હું કહું એ સમયે મને ઉઠાડતી હતી. એની ઊંઘ ભલે બગડે પણ એક પણ દિવસ મિસ કર્યા વગર એ મને દરરોજ જગાડતી હતી. મારા પિતા પોતે શિક્ષક છે. જેમણે મને ધોરણ 11 અને 12 માં એમના થકી હું ભણી છું. એમણે પણ ત્યારે ખૂબ જ સારા કન્સેપ્ટચ્યુઅલ ક્લીયારીટી આપી હતી એટલે અત્યારે મને કોઈ વાંધો આવ્યો ન હતો અને મારી બહેન સીએ ફાયનાલિસ્ટ છે અને એનો પણ સીટી રેન્ક 2 હતો. હવે સીએની જર્નીમાં આગળ વધવાનું છે. અને સાથે સાથે બીકોમ પણ કરી રહી છું. : નિત્યા જોશી, એર -12

ટ્વીન્સ બહેનોએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી :

સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી. 400 માંથી 332 માર્ક્સ આવ્યા છે. વડોદરા રેન્ક 2 જો છે. મારી સાથે સાથે મારી સગી બહેન નિશાએ પણ આ પરીક્ષા ક્લિયર કરી છે. અમે ટ્વીન્સ બહેનો છે. અમે બંને અલગ અલગ રીતે જેમકે હું સવારે અને એ રાત્રે ભણતી હતી. આખો દિવસ આમતો અમે રૂમમાં બંધ થઈ જતા. નવેમ્બરથી મેં 10 થી 12 કલાક અભ્યાસ કરતી હતી. ઈન્સ્ટાગ્રામ જરા પણ ઉપયોગ કરતી ન હતી. મનોરંજન માટે યુટ્યુબ થોડીવાર જોઈ લેતી હતી. અમે બંને એકબીજાને મદદ કરતા હતા. કોમ્પિટિશન હતી પણ બંનેને સાથે ક્લિયર કરવાનું હતું. : અનિશા રાજપુરોહિત

આઠથી દસ કલાકની સખત મહેનતે સફળતા અપાવી

329 માર્ક્સ આવ્યા છે. વડોદરામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ખૂબ સારું લાગે છે. ક્લાસની સાથે ચારથી છ કલાક અને સેલ્ફ સ્ટડી આઠ થી દસ કલાક અભ્યાસ કરતો હતો. તૈયારી હું આઈ સી એઆઈ મોડ્યુલ પ્રાઇમરી તૈયારી કરતો હતો. જે મટીરીયલ ને ક્લાસ તરફથી આપવામાં આવતું હતું તેના દ્વારા પણ હું અભ્યાસ કરતો હતો. ટીચર્સનો પણ મને ઘણો સપોર્ટ મળ્યો છે. પિતા બિઝનેસમેન છે. આગળ હવે હું સીએ ઇન્ટરની એક્ઝામ આપીશ. : મોહમ્મદસિદ્દીક બોમ્બેવાલા, સીટી રેન્ક -3

ઘણા સમય પછી આવા રેન્કર્સ બરોડામાંથી આવ્યા એ આપણા માટે ખૂબ ગૌરવની વાત

જાન્યુઆરી 2026માં ત્રણ પરીક્ષા લેવાતી હોય છે. જેમાં ફાઈનલ, ફાઉન્ડેશન અને ઈન્ટરમિડીએટ. આજે ઈન્ટર અને ફાઉન્ડેશનનું પરિણામ આવ્યું છે. ગત અઠવાડિયે ફાઈનલનું પરિણામ આવ્યું હતું. આજના પરિણામમાં આખા ઈન્ડિયાનું ફાઉન્ડેશનનું 19 ટકા જ્યારે આપણું 23 ટકા ઉપર છે. ઈન્ટરમિડીએટમાં આખા ઈન્ડિયામાં 9 ટકા જેટલા વિદ્યાર્થી બોથ પાસ થયા છે. જ્યારે બરોડામાં 14 ટકા જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આપણું રિઝલ્ટ ખુબજ સારું છે. પ્રથમ વખત એવું થયું છે કે, ઓલ ઓવર ઈન્ડિયામાં ટોપ 50માં 5 બરોડાના હતા. ઈન્ટરમિડીએટના પરિણામમાં ટોપ 50 આખા ઈન્ડિયામાં 3 બરોડાના છે. જ્યારે ફાઉન્ડેશનમાં ટોપ 20 રેન્ક આપવામાં આવે છે એમાંથી 1 બરોડાનો છે. જે ખુબજ ગૌરવની વાત છે. ઘણા સમય પછી આવા રેન્કર્સ બરોડામાંથી આવ્યા છે. જે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. : સીએ પ્રશાંત કોટેચા, ચેરમેન ICAI બરોડા બ્રાન્ચ

Most Popular

To Top