સ્થાનિકોની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના થતા ટળી
ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો



( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 18માં રાંધણ ગેસના સિલિન્ડરની પાઈપ ફાટવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક યુવક દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગેસ લીકેજ અને આગને પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા શહેરના અકોટા હાઉસિંગ બોર્ડના એક મકાનમાં રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક ગેસ સિલિન્ડરની પાઈપ ફાટી ગઈ હતી. પાઈપ ફાટતાની સાથે જ ગેસ લીકેજ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ અચાનક બનેલી ઘટનામાં ઘરમાં રહેલો મહેન્દ્ર નામનો યુવક હાથના ભાગે દાઝી ગયો હતો. આગ લાગતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનો અને પાડોશીઓએ હિંમત દાખવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેના પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાને પગલે આગની પલેટમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.