ગાંધીનગર: યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૨૫ના અંતિમ પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા, (સ્પીપા) અમદાવાદ ખાતે તાલીમ લીધેલા કુલ ૩૪ ઉમેદવાર અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે, જે સંસ્થાની નોંધપાત્ર સિદ્ધિ છે.
UPSC દ્વારા ૨૩ મે ૨૦૨૫ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ૧૧ જૂન ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ ૧૪,૧૬૧ ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા ૨૭૨ ઉમેદવારનો સમાવેશ થાય છે.
ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી ૨૩૭૬ ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા, તેમાં સ્પીપાના ૮૨ ઉમેદવારનો સમાવેશ થયો હતો.
ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે યુપીએસસી દ્વારા ૫ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી ૯૫૮ ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે. આ આખરી પસંદગીમાં સ્પીપા ખાતે તાલીમ લીધેલા ૩૪ ઉમેદવારનો સમાવેશ થાય છે.
પર્સનાલિટી ટેસ્ટ માટે સ્પીપા દ્વારા ઉમેદવારોને નવેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧૫ ‘મોક ઈન્ટરવ્યુ’ અને ૪ વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.