Gujarat

રાજ્યમાં પારો 38 ડિગ્રીને પાર, 11મી સુધી હીટવેવની ચેતવણી

ગાંધીનગર: રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો સતત ઊંચો જવા લાગ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 35થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં લોકો ગરમીનો અનુભવ કરવા લાગ્યા છે. ભાવનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે કેશોદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ભૂજમાં 35 ડિગ્રી, નલિયામાં 31 ડિગ્રી, કંડલા પોર્ટ પર 35 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા અને અમદાવાદમાં પણ 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. પોરબંદરમાં 37 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી અને વડોદરામાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરમાં 36 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી તેમજ દમણમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ નલિયામાં 20 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ 7 માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોને અસહજતા અનુભવાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને ભેજના કારણે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે 7થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી પણ ઈશ્યુ કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર અને વેરાવળ સહિતના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર જોવા મળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને બપોરના સમયે તાપથી બચવા, પૂરતું પાણી પીવા અને અનાવશ્યક રીતે બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે.

Most Popular

To Top