Gujarat

રાજકોટ 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ગાંધીનગર : ગુજરાતમાં માર્ચની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 અને 6 માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવાની અસરને કારણે ઉકળાટભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં લોકોને ગરમી અને ભેજના કારણે અસ્વસ્થતા અનુભવાવાની શક્યતા છે.

રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ભૂજમાં 37 ડિગ્રી, નલિયામાં 31 ડિગ્રી, કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ પર 37 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 39.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, મહુવામાં 38 ડિગ્રી, કેશોદમાં 38 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી, ડીસામાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 35 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી અને દમણમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલના દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો રહેશે. દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતા લોકોમાં ગરમીનો અનુભવ વધી શકે છે, જ્યારે વહેલી સવારે અને રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં ઠંડક અનુભવાઈ રહી છે. ખાસ કરીને નલિયામાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી આસપાસ નોંધાતા સવારે હળવી ઠંડકનો અનુભવ થયો હતો.હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવાના કારણે ઉકળાટ વધવાની શક્યતા હોવાથી લોકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top