Gujarat

રાજ્ય સરકારે આવશ્યક યાદીમાં 150 નવી દવાઓનો ઉમેરો કર્યો

ગાંધીનગર : રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં નોંધપાત્ર વધારો કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫–૨૬ માટેની આવશ્યક દવાઓની યાદીમાં ૧૫૦ નવી મહત્વપૂર્ણ દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૨૪–૨૫ની ૧,૩૮૬ દવાઓની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમીક્ષા દરમિયાન ૫૭ બિનજરૂરી દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે આવનારા વર્ષ માટે કુલ ૧,૪૭૯ જેટલી સર્જિકલ, ડાયગ્નોસ્ટિક તથા અન્ય જરૂરી દવાઓ દર્દીઓને ઉપલબ્ધ બનશે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર દર વર્ષે દવાઓની ખરીદી માટે આવશ્યક દવાઓની યાદીનું પુનઃમૂલ્યાંકન કરે છે. આ યાદીમાં સમાવિષ્ટ તમામ દવાઓ અને સર્જિકલ સામગ્રી રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સુધી તમામ સ્તરે દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

રાજ્યના આવશ્યક દવાઓના લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની ૩૭૮, સેકન્ડરી કક્ષાની ૬૨૮ અને ટર્સરી કક્ષાની કુલ ૧,૪૭૫ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.મુખ્ય રોગોની સારવાર માટેની દવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં એન્ટી-ઇન્ફેક્ટિવ દવાઓની સંખ્યા ૨૦૨થી વધારીને ૨૧૬, શ્વસનતંત્રની દવાઓ ૨૯થી વધારીને ૪૦, આંખની દવાઓ ૫૧થી વધારીને ૫૮ તેમજ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ દવાઓ ૫૨થી વધારીને ૫૬ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ડિવાઈસીસની સંખ્યા ૨૮૭થી વધારીને ૩૪૯ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૫–૨૬ના આવશ્યક દવાઓના લિસ્ટમાં હૃદયરોગ માટેની ૧૧૬, કેન્સર માટેની ૫૬, ન્યુરોલોજીકલ ડિસોર્ડર્સ માટેની ૭૫ અને માનસિક રોગોની ૪૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીની સમીક્ષા કરીને તેને અદ્યતન બનાવે છે, જેથી દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર ઉપલબ્ધ બની શકે.

Most Popular

To Top