Gujarat

સુરતના કતારગામ અને વરાછા વિસ્તારના બે યુવાનોની ધરપકડ, સીઆઈડી ક્રાઈમના સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સનો મોટો ધડાકો

ગાંધીનગર : ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક અત્યંત ગંભીર ‘સાયબર સ્લેવરી’ (Cyber Slavery) રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ નિર્દોષ ભારતીય યુવાનોને કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી બોલાવતી હતી અને ત્યાં તેમને બંધક બનાવી પરાણે સાયબર ગુનાઓ કરાવતી હતી. આ મામલે પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં (૧) ધ્રુવ કનુભાઈ ડોબરિયા (રહે. કામરેજ ચોકડી અને (૨) કૌશિક અશ્વિનભાઈ મનજીભાઈ પેથાણી (રહે. સુદામા ચોક મોટા વરાછા – સુરત – મૂળ વતની – ખામ્ભા – અમરેલી )ની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોનો સંપર્ક કરતા હતા.

મોડસ ઓપરેન્ડી – લાલચથી ટોર્ચર સુધીની સફર
આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર જાહેરાતો આપીને યુવાનોને કંબોડિયામાં આઈટી કંપની કે ડેટા એન્ટ્રીમાં સારી નોકરી અને મફત રહેવા-જમવાની લાલચ આપતા હતા. જોકે, યુવાનો જેવા ત્યાં પહોંચતા કે તરત જ તેમના પાસપોર્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવતા હતા. ત્યારબાદ તેમને એક બંધ કેમ્પસમાં રાખવામાં આવતા અને ભારત પરત આવવાની મનાઈ કરી દેવામાં આવતી.​ત્યાં આ યુવાનો પાસે ‘સાયબર સ્લેવ’ (ગુલામ) તરીકે કામ કરાવીને ભારતીય નાગરિકો સાથે જ સાયબર ફ્રોડ, ફેક ટ્રેડિંગ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓ આચરવા મજબૂર કરવામાં આવતા હતા. જે યુવાનો કામ કરવાની ના પાડે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપી ટોર્ચર કરવામાં આવતા હતા.

વિદેશ પહોંચ્યા બાદ યુવકોના પાસપોર્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરી તેમને કેમ્પમાં રાખવામાં આવતા હતા. ત્યારબાદ તેમને ફરજિયાત રીતે ઓનલાઈન સાયબર ફ્રોડ, ક્રિપ્ટોકરન્સી સ્કેમ, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા મજબૂર કરવામાં આવતા હતા. કામ કરવા ઇનકાર કરનાર લોકોને શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી અને તેમને બહાર જવા અથવા ભારત પરત આવવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. આ ગેંગ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ સાથે જોડાયેલી છે અને મ્યાનમાર, દુબઈ, લાઓસ, થાઈલેન્ડ તેમજ યુએઈ અને શ્રીલંકા જેવા દેશોમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહી હતી.

આંતરરાષ્ટ્રીય કનેક્શન અને વ્યાપ
સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આ કૌભાંડ માત્ર કંબોડિયા પૂરતું મર્યાદિત નથી, પરંતુ દુબઈ, લાઓસ, વિયેતનામ અને યુએઈ જેવા દેશોમાં પણ ફેલાયેલું છે. આ ટોળકી આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક લાભ મેળવવા માટે આખું નેટવર્ક ચલાવી રહી છે. સીઆઈડી ક્રાઈમ હવે આ કેસમાં સામેલ અન્ય એજન્ટો અને આંતરરાષ્ટ્રીય કડીઓની ઊંડી તપાસ કરી રહી છે. નાગરિકોને વિદેશમાં નોકરીના બહાને આવતી આવી છેતરામણી જાહેરાતોથી સાવધ રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top