અમદાવાદ,
રાજ્યભરમાં ધૂળેટીના તહેવાર દરમિયાન સામાન્ય દિવસોની તુલનાએ આકસ્મિત બનાવો (ઈમરજન્સી કોલ)ની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ધૂળેટીના દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં ઇમરજન્સી કોલની સંખ્યા 4,890 પર પહોંચી હતી, એટલે કે સામાન્ય દિવસોની તુલનામાં 22.20 ટકાનો વધારો નોંધાયો હતો.
ઈમરજન્સી સેવા 108ના સુત્રોના જણાવ્યા પ્રમાણે જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 68.05 ટકા વધારો નોંધાયો છે, જ્યાં સામાન્ય દિવસોમાં 48 બનાવોની સામે ધૂળેટીના દિવસે 81 બનાવો નોંધાયા છે. તે જ રીતે ડાંગ જિલ્લામાં 62.01 ટકા વધારો નોંધાયો છે.
સુરત જિલ્લામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં 369 બનાવોની સામે ધૂળેટીના દિવસે 581 બનાવો નોંધાતા 57.42 ટકાનો વધારો નોંધાયો છે. મોરબી જિલ્લામાં 50.30 ટકા અને પંચમહાલ જિલ્લામાં 44.09 ટકાનો વધારો નોંધાયો છે.
આ ઉપરાંત વલસાડમાં 37.72%, દેવભૂમિ દ્વારકામાં 37.72%, મહિસાગરમાં 36.86%, ભરૂચમાં 30.54%, દાહોદમાં 29.13% અને તાપીમાં 29.74% બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં મોટા શહેરોમાં આકસ્મિત ઘટનાના બનાવોની સંખ્યા પણ વધારો નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસોમાં 767 બનાવોની સામે ધૂળેટીના દિવસે 908 બનાવો નોંધાતા 18.37 ટકા વધારો થયો છે. વડોદરા જિલ્લામાં 22.79 ટકા અને રાજકોટ જિલ્લામાં 13 ટકા વધારો નોંધાયો છે.
બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં બનાવોની સંખ્યામાં ઘટાડો પણ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં 9.01 ટકા ઘટાડો નોંધાયો છે, જ્યારે આનંદ જિલ્લામાં 14.81 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 7.42 ટકા ઘટાડો નોંધાયો છે. બોટાદ જિલ્લામાં પણ લગભગ 10.22 ટકા ઘટાડો નોંધાયો છે.
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ધૂળેટીના દિવસે રાજ્યભરમાં સામાન્ય દિવસોની તુલનાએ બનાવોની સંખ્યામાં વધારો નોંધાયો છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં આ વધારો ખાસ કરીને વધુ જોવા મળ્યો છે.