Vadodara

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મગરો અને પશુઓના વસવાટમાં મેડિકલ વેસ્ટનું ‘ઝેર’ ઘોળાયું!​

મગરો અને પશુઓના વસવાટવાળી નદીમાં જોખમી કચરો ઠાલવાતા પર્યાવરણ સામે ખતરો: જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

વડોદરા: શહેરના પાદરે આવેલા જાંબુઆ ગામ પાસેથી પસાર થતી નદીમાં અજાણ્યા શખ્સો દ્વારા મોટા પાયે મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભય સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. નદીમાં વપરાયેલી સિરીંજ, ગ્લુકોઝની બોટલો, પાટા-પિંડી અને અન્ય જોખમી બાયો-મેડિકલ વેસ્ટના કારણે જાહેર આરોગ્ય અને પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થયું છે.
જાંબુઆની આ નદી મગરો માટે કુદરતી આશ્રયસ્થાન ગણાય છે. આ ઉપરાંત, ગામના પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને પાણી પીવડાવવા માટે આ જ નદી પર નિર્ભર છે. નદીના પટમાં ફેલાયેલા આ ઝેરી કચરાને કારણે જળચર જીવો અને પશુઓના જીવ જોખમમાં મુકાયા છે. જો કોઈ પશુ ભૂલેચૂકે આ કચરાના સંપર્કમાં આવે અથવા દૂષિત પાણી પીએ, તો ગંભીર બીમારી ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, કોઈ હોસ્પિટલ કે એજન્સી દ્વારા રાત્રિના અંધકારનો લાભ લઈને આ કચરો અહીં નાખવામાં આવ્યો હોઈ શકે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ​મેડિકલ વેસ્ટના નિકાલ માટે ચોક્કસ નિયમો હોવા છતાં તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
​ખુલ્લામાં આવો કચરો ફેંકવો એ ગુનાહિત બેદરકારી છે. ​ચોમાસા પહેલા અથવા વહેતા પાણીમાં આ કચરો ભળશે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.
“અમારી નદીમાં અચાનક આટલો બધો મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઈએ. અમારા ઢોર અહીં પાણી પીવે છે અને અહીં મગરો પણ રહે છે. આ ગંદકીથી આખું ગામ બીમાર પડી શકે છે.”
ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરે. નદીમાંથી આ કચરો સત્વરે દૂર કરવામાં આવે અને જે પણ હોસ્પિટલ કે લેબોરેટરી આ ગેરકાયદેસર કૃત્યમાં સામેલ હોય, તેમના લાયસન્સ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Most Popular

To Top