Vadodara

બહુચર્ચિત બોગસ નાર્કોટિક્સ ડ્રગ્સ કેસના આરોપી રમેશ પાર્થસિંહ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

ડ્રગ્સ મૂકીને બે ભાઈઓને ફસાવવાના કાવત્રામાં મહત્વની ભૂમિકા હોવાનો આક્ષેપ

સરકાર તરફે એડવોકેટ હિતેશ એલ. ગુપ્તાની ધારદાર દલીલો
પ્રતિનિધિ, વડોદરા તા. 3
વર્ષ 2006ના બહુચર્ચિત બોગસ નાર્કોટિક્સ ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી રમેશ પાર્થસિંહ નાયકની ડિસ્ચાર્જ અરજી એનડીપીએસ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
કેસની વિગતો અનુસાર, વર્ષ 2006માં પ્રકાશ જ્યોતિ પિલ્લાઈ અને તેમના ભાઈના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓની મિલીભગતથી ડ્રગ્સ મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ કાવત્રામાં આરોપી રમેશ પાર્થસિંહ નાયકે ખોટા સોગંદનામા રજૂ કરી બંને ભાઈઓને ફસાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે.
સરકાર તરફે જાહેર વકીલ હિતેશ એલ. ગુપ્તાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે હાલનો ગુનો એનડીપીએસ એક્ટની ગંભીર કલમો હેઠળનો છે. અગાઉ નોંધાયેલા ખોટા ગુનાની બાબતમાં સમરી દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસકર્મીઓ સહિત સંબંધિત વ્યક્તિઓ પણ આરોપી બન્યા છે. પ્રકાશ પિલ્લાઈના નિવાસસ્થાનેથી મળેલો એનડીપીએસ મુદ્દામાલ ‘પ્લાન્ટ’ કરવામાં આવ્યો હતો અને તેમાં રમેશ નાયકની સંડોવણી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે.
આરોપીએ ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 227 હેઠળ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. પરંતુ કેસની ગંભીરતા અને ઉપલબ્ધ પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને ટ્રાયલ ચલાવવી અનિવાર્ય હોવાનું જણાવી કોર્ટે અરજી નામંજૂર કરી છે.
ગત 2 માર્ચે વિશેષ એનડીપીએસ જજ અને છઠ્ઠા વધારાના સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા સરકાર તથા બચાવ પક્ષની દલીલો સાંભળી આરોપી રમેશ પાર્થસિંહ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top