SURAT

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી ફરી ચર્ચામાં,વેપારીને ધમકી આપ્યાનો કેસ નોંધાયો

પ્લોટ મુદ્દે દબાણ અને ધમકી: ચિરાગ ગોટી સહિત ત્રણે આરોપી વિરુદ્ધ ફરિયાદ

સુરત શહેરમાં માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ ફરી એકવાર ધમકી અને દબાણનો ગુનો નોંધાતા શહેરમાં ચર્ચા જાગી છે. વેપારીની માલિકીની જમીન ખાલી કરાવવા માટે ધાક-ધમકી આપવાનો આક્ષેપ થતાં કાપોદ્રા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના વતની કાનજીભાઈ નાજાભાઈ ભરવાડ (ઉંમર ૩૯)વર્ષ , પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની માલિકીના પ્લોટ નંબર ૧ થી ૧૧ પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ આ પ્લોટ ખાલી કરાવવા માટે સતત દબાણ કરી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદ અનુસાર, ગત તા. ૧૦ જુલાઈ ૨૦૨૩ થી ૨૦ જુલાઈ ૨૦૨૩ દરમિયાન નવીન બચુભાઈ પટેલ, ચિરાગ રમેશ પટેલ અને ચિરાગ ઘનશ્યામ ગોટીએ ફરિયાદીને ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ગાળાગાળી કરી ખોટા કેસોમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નવીન પટેલે ફરિયાદીની જમીન પચાવી પાડવાના ઈરાદે અન્ય આરોપીઓને આગળ રાખી તેમને ડરાવવા અને દબાણ કરવા પ્રયત્ન કર્યો હતો. સતત ધમકીઓ મળતાં ફરિયાદી ભયભીત થઈ ગયા હતા અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે કાપોદ્રા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ ચિરાગ ગોટીનું નામ વિવિધ ગુનાઓમાં સામે આવતું રહ્યું છે. નવી ફરિયાદ બાદ પોલીસ હવે આરોપીઓની ભૂમિકા અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં જમીન સંબંધિત વિવાદો અને દબાણના બનાવો અંગે ચર્ચા ઉભી કરી છે.

Most Popular

To Top