વાઘોડિયા રોડ વાલ્મિકીનગરમાં રહેતો હર્ષિલ વસાવા કેનાલમાં ડૂબી ગયો
પોલીસ–ફાયર વિભાગની શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી બોડી બહાર કાઢાઈ
શિનોર |
શિનોર તાલુકાના મોટા કરાળા ગામ પાસે પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાંથી વાઘોડિયા રોડ, વાલ્મિકીનગર વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય યુવક હર્ષિલ વસાવાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હર્ષિલ વસાવા મોટા કરાળા ગામ તરફ ગયો હતો. ગામ નજીક આવેલી નર્મદા નિગમની માઇનોર કેનાલના ગેટ પાસે તેનું કાળા રંગનું શર્ટ, કાળા રંગની પેન્ટ, ચપ્પલ તથા મોબાઇલ મળી આવ્યા હતા. આથી કેનાલમાં નાહવા પડતા યુવક ડૂબી ગયો હોવાની પ્રાથમિક શંકા ઊભી થઈ હતી.
હર્ષિલના પિતાએ શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શિનોર પોલીસ અને કરજણ ફાયર વિભાગની ટીમે મોટા કરાળા ગામથી સીમળી ગામ તરફ જતી નર્મદા કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ અંતે કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શિનોરના મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: અમિત સોની