Halol

ચંદ્રગ્રહણને પગલે પાવાગઢ કાલિકા માતાજી મંદિર બંધ

૩ માર્ચે સમયમામાં ફેરફાર, સવારે ૬ વાગ્યા બાદ દર્શન બંધ
૪ માર્ચથી આરતી-દર્શનનો નિયમિત સમય ફરી શરૂ થશે

હાલોલ |
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ચંદ્રગ્રહણને કારણે આજે દિવસ દરમિયાન ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ પૂનમ, તા. ૩ માર્ચ ૨૦૨૬ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી સમયમામાં ફેરફાર અંગે જાહેર સૂચના આપવામાં આવી હતી.
ટ્રસ્ટની જાહેરાત મુજબ આજે વહેલી સવારે ૫:૦૦ વાગ્યે માતાજીની આરતી કરવામાં આવી હતી અને સવારે ૬:૦૦ વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ચંદ્રગ્રહણ અને સૂતક કાળને ધ્યાનમાં રાખીને સમગ્ર દિવસ માટે મંદિર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાને અનુરૂપ લેવામાં આવ્યો છે. સાથે જ ભક્તોને જાહેર કરાયેલી સમયસૂચનાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે તા. ૪ માર્ચ ૨૦૨૬, બુધવારથી શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે આરતી અને દર્શનનો નિયમિત સમય ફરીથી યથાવત્ શરૂ કરવામાં આવશે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top