આ વખતે આપણા ગુજરાતમાં ઠંડી થોડી વહેલી શરૂ થઇ ગઇ હતી અને વહેલી પુરી થઇ ગઇ. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઠંડીએ વિદાય લઇ લીધી. કાશ્મીર, દિલ્હી સહિતના ઉત્તર ભારતમાં આ વખતે જો કે ખાસ્સી ઠંડી પડી. જો કે હવામાન ખાતાની આગાહી મુજબ જ ગુજરાત સહિતના પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ઠંડી ઓછી પડી. તેમાં પણ ફેબ્રુઆરીમાં તો ખાસ પડી જ નહીં. હવે હવામાન ખાતાએ દેશમાં ઉનાળો વધુ ગરમ રહેવાની આગાહી કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે તેના માસિક પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે, માર્ચ અને મે મહિનાની વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતા વધુ હીટવેવ (લૂ)ના દિવસો રહેવાની શક્યતા છે.
જે વિસ્તારોમાં ગરમીના મોજાના દિવસો વધુ રહેવાની આગાહી આ થઇ છે તેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. હીટવેવના દિવસો વધુ રહેવાની આગાહી થઇ છે તે વિસ્તારોમાં પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દક્ષિણ અને પૂર્વી મહારાષ્ટ્ર, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગાના મેદાની વિસ્તારો ધરાવતું પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તર કર્ણાટક તથા ઉત્તર તમિલનાડુના ભાગોનો સમાવેશ થાય છે. જો કે, માર્ચ દરમિયાન પૂર્વોત્તર અને પૂર્વ ભારત તેમજ પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, મધ્ય અને દ્વીપકલ્પ ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેવાની શક્યતા છે.
જ્યારે માર્ચમાં દેશના ઘણા ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે, ત્યારે પૂર્વોત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ તથા પૂર્વ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ જોવા મળી શકે છે. અહીં ઉનાળામાં જોવા મળતા છૂટાછવાયા વરસાદની વાત છે. હવામાન વિભાગે એ પણ નોંધ્યું છે કે હાલમાં વિષુવવૃત્તીય પેસિફિકમાં નબળી ‘લા નીના’ (La Nina) સ્થિતિ પ્રવર્તી રહી છે. પરંતુ, વૈશ્વિક મોડલ્સ અને IMDના મોનસૂન મિશન ક્લાઈમેટ ફોરકાસ્ટ સિસ્ટમ (MMCFS) ના પૂર્વાનુમાન મુજબ, આગામી મહિનાઓમાં તટસ્થ અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) સ્થિતિ પાછી આવી શકે છે.
ફેબ્રુઆરી દરમિયાન પ્રવર્તેલી હવામાન પરિસ્થિતિઓની સમીક્ષા કરતા IMD એ જણાવ્યું હતું કે ગયા મહિને સમગ્ર ભારતમાં વરસાદ 2001 પછી સૌથી ઓછો હતો. આ ઉપરાંત, ફેબ્રુઆરી દરમિયાન કોઈ શીત લહેર કે ઠંડા દિવસો નોંધાયા નથી. દક્ષિણ દ્વીપકલ્પ અને મધ્ય ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં દેશના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. પૂર્વી દ્વીપકલ્પ અને પૂર્વ-મધ્ય ભારત સિવાય ભારતના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું.
IMD એ ઉમેર્યું કે, ફેબ્રુઆરી દરમિયાન, ભારતે 1901 પછીનું 10મું સૌથી વધુ મહત્તમ તાપમાન, ત્રીજું સૌથી વધુ લઘુત્તમ તાપમાન અને પાંચમું સૌથી વધુ સરેરાશ તાપમાન અનુભવ્યું છે. ફેબ્રુઆરી મહિનો ગરમ રહ્યો છે તે વાત સાચી, પણ તેણે તાપમાનની બાબતમાં નવા વિક્રમો રચ્યા નથી તે રાહતની વાત છે. વાતાવરણમાં વધતા જતા કાર્બનને કારણે આપણો પૃથ્વીનો ગોળો ગરમ થઇ રહ્યો છે, પરંતુ આપણે અહીં જોયું કે અલ-નીનો અને લા-નીના જેવા પરિબળોની અસર, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા પરિબળોની અસર પણ તાપમાનને પ્રભાવિત કરે છે. ગમે તે હોય પણ આપણે આ વખતે વધુ ગરમ ઉનાળા માટે તૈયાર રહેવાનું છે.