Vadodara

રીલની લ્હાયમાં રફ્તારનો કહેર, વડસર બ્રિજ પર ફૂલ સ્પીડ બાઈકે મોપેડને અડફેટમાં લીધું

બંને રોડ પર પટકાયા, બેફામ બાઈકચાલક સામે લોકોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ
( પ્રતિનિધિ ) વડોદરા, તા. 3
રીલ બનાવવાની હોડમાં બેફામ બાઈકચાલકે વડોદરાના વડસર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જ્યો હતો. બાઈકચાલકે ફૂલ સ્પીડે બાઈક હંકારતા ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના દરમિયાન એક મોપેડ સવારને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કરના કારણે બાઈકચાલક અને મોપેડ સવાર બંને રોડ પર પટકાયા હતા.

કલાલીથી દરબાર ચોકડી તરફ જવાના માર્ગ પર બનેલા આ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક થોભી ગયો હતો. ઘટનાસ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા અને બેફામ રીતે બાઈક ચલાવનાર યુવક સામે ભારે બળાપો ઠાલવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે બાઈકચાલકે ફૂલ સ્પીડે બાઈક હંકારતો પોતે જ રીલ માટે વીડિયો બનાવી રહ્યો હતો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ દિવસેને દિવસે વધતી ફૂલ સ્પીડ અને રીલ બનાવવાની વૃત્તિ સામાન્ય વાહનચાલકો તથા રાહદારીઓ માટે જોખમરૂપ બની રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
સ્થાનિકોએ સરકાર અને ટ્રાફિક વિભાગને અપીલ કરી છે કે આવા બેફામ બાઈકચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.

Most Popular

To Top