ઘરમાં ઘુસી ધમકી આપ્યાનો આરોપ, યુવકે વીડિયો ઉતારી પોલીસમાં અરજી કરી
વડોદરા, તા. 20
વડોદરા શહેરના કલ્યાણનગર વિસ્તારમાં ભજન વગાડવા મુદ્દે બે સમુદાયના લોકો વચ્ચે વિવાદ સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. કલ્યાણનગરમાં બનાવાયેલા આવાસના મકાનમાં રહેતા હિન્દુ યુવકને ભજન ન વગાડવા બાબતે પાડોશમાં રહેતા કેટલાક લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હિન્દુ યુવક પોતાના મકાનમાં ભજન વગાડી રહ્યો હતો. પાડોશમાં રહેતા પરિવારના સભ્યોએ અવાજ ધીમો રાખવા વિનંતી કરી હતી, જેને ધ્યાનમાં રાખીને યુવકે અવાજ ઓછો કર્યો હતો. તેમ છતાં બાદમાં મામલો ઉગ્ર બન્યો હોવાનું જણાવાયું છે.
આરોપ મુજબ, કેટલાક લોકો યુવકના ઘરમાં ઘુસી આવ્યા હતા અને ધમકી આપતા ઝપાઝપી પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
અરજીના આધારે પોલીસે મામલાની તપાસ હાથ ધરી હતી અને બે વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.