Vadodara

સમા મામલતદાર કચેરીમાં ‘સાહેબો’ ગાયબ, કલેક્ટરના પરિપત્રના ધજાગરા!​

ખાલી ખુરશીઓ જોઈ અરજદારો પરેશાન; કચેરીમાં માત્ર એક જ અધિકારી હાજર, જનતાના કામો રામભરોસે

વડોદરા: શહેરના સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા કચેરીમાં હાજર રહેવા અંગે સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, આજે કચેરીના મોટાભાગના અધિકારીઓ પોતાની ખુરશી પરથી ગાયબ જણાતા દૂર-દૂરથી આવેલા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, સમા મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામકાજ અર્થે સવારથી જ લોકોની ભીડ જામી હતી. જોકે, કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોટાભાગના જવાબદાર અધિકારીઓ હાજર નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કચેરીમાં માત્ર એક જ અધિકારી કામ કરતા નજરે પડ્યા હતા, જ્યારે અન્ય તમામ અધિકારીઓ રજા પર ઉતરી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં જ તમામ મામલતદાર કચેરીઓમાં કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આમ છતાં, સમા મામલતદાર કચેરીમાં જોવા મળેલી આ સ્થિતિ અધિકારીઓની મનસ્વી કામગીરી અને ‘લાલિયાવાળી’ તરફ આંગળી ચીંધે છે.
કચેરીમાં આવેલા એક મહિલા અરજદારે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ જરૂરી કામ માટે અહીં આવ્યા છે પરંતુ અધિકારીઓ હાજર ન હોવાથી તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે. અનેક લોકો પોતાનો રોજગાર અને અન્ય કામો છોડીને સરકારી કચેરીના કામકાજ માટે આવતા હોય છે, ત્યારે તંત્રની આવી શિથિલતાને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top