વડોદરા, તા. 2
હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. કરજણ પોલીસે એક્સપ્રેસ હાઈવે પરથી ટેમ્પામાં ચોરખાનું બનાવી સંતાડીને લઈ જવાતો બિયરનો રૂપિયા 3.74 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બે આરોપીની ધરપકડ કરી રૂપિયા 6. 25 લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે.
મળતી માહિતી મુજબ, ભરૂચ તરફથી ટેમ્પામાં દારૂ ભરીને વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર સાંપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ નીચે પોલીસે ટેમ્પાને અટકાવ્યો હતો. ટેમ્પામાં ચાલક અને ક્લીનર હાજર હતા. પ્રાથમિક તપાસ દરમિયાન ટેમ્પામાં કંઈ મળ્યું નહોતું.પરંતુ ટેમ્પાના પાછળના ડાલાના ભાગે તળિયે ચોરખાનું બનાવેલું હોવાનું જણાયું હતું. પોલીસે ચોરખાનું ખોલી તપાસ કરતાં અંદરથી રૂ. 3.74 લાખની કિંમતનો વિદેશી બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ દ્વારા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને બુટલેગરોના મનસૂબા નિષ્ફળ બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે કરજણ પોલીસ સતત વોચ રાખી રહી હતી.
આ કેસમાં પોલીસે રૂ. 3.74 લાખનો દારૂ, રૂ. 2.50 લાખનો ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂ. 6.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક ગબ્બર બાબુલાલ બનજારા (રહે. ખંડવા ગામ, નગીનનગર થાણા, બડવાઈ, જી. બુરહાનપુર, મધ્યપ્રદેશ) તથા મહેન્દ્ર શ્યામઅવધ યાદવ (રહે. ગોલ્ડન ચોકડી પાસે ધીરુભાઈની ચાલીમાં, વડોદરા શહેર; મૂળ રહે. દુર્જનપુર ગામ, થાણા નિઝામાબાદ, જી. આજમગઢ, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.