Vadodara

હોળી-ધુળેટીના તહેવારોમાં પાંચ દિવસ ડીસકનેક્શન કામગીરી બંધ રાખવાની માંગ

ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળની MGVCLના એમડીને રજૂઆત
તહેવારો દરમિયાન ઘર્ષણ અને સલામતી જોખમની શક્યતા વ્યક્ત

(પ્રતિનિધિ) વડોદરા | તા. 02
હોળી અને ધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ડીસકનેક્શનની કામગીરી સતત પાંચ દિવસ સુધી બંધ રાખવાની માંગ સાથે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL)ના એમડીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજુભાઈ ખત્રી દ્વારા કર્મચારીઓના હિતમાં વધુ એક વખત મધ્ય ગુજરાત વીજ કંપનીના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરાઈ છે. તેમણે જણાવ્યું છે કે, MGVCLના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ સબ-ડિવિઝન અને જિલ્લાઓમાં હોળી-ધુળેટીના તહેવારો સતત પાંચ દિવસ સુધી મેળા અને ઉત્સવોના સ્વરૂપે ઉજવવામાં આવે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ પાંચ દિવસ દરમિયાન ટેક્નિકલ સ્ટાફને ડીસકનેક્શનની કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે. ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં આવેલા ટ્રાઇબલ વિસ્તારોમાં લોકટોળા અને મેળાવડા મોટા પ્રમાણમાં યોજાતા હોય છે, જ્યાં જાહેર ભીડ વચ્ચે લાઈન સ્ટાફને કામગીરી દરમિયાન જીવ અને માલની સલામતી જોખમમાં મુકાવાની તેમજ ઘર્ષણનો ભોગ બનવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
આથી, આવા સંવેદનશીલ દિવસોમાં કર્મચારીઓની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પાંચ દિવસ સુધી ડીસકનેક્શનની કામગીરી સ્થગિત રાખવા મંડળ દ્વારા આગ્રહપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top