ગાંધીનગર : પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જીવનનિર્વાહ માટે દૈનિક રૂ.૩૦૦ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ માહિતી વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી.
આ સહાયના દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં છે અને દરમાં રૂ.૧૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન સહાયનો લાભ લેનાર માછીમાર પરિવારોની સંખ્યામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૦૫ પરિવારોને જ્યારે વર્ષ ૨૦૨૫માં ૧૦૧ પરિવારોને આ સહાય આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારી મુખ્ય રોજગારનું સાધન છે અને પડોશી દેશ સાથેની સમુદ્રી સીમા વિવાદને કારણે ઘણી વાર માછીમારો પકડાઈ જવાના બનાવો બને છે. આવી પરિસ્થિતિમાં તેમના પરિવારોને આર્થિક સંકટમાંથી રાહત મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ સહાય યોજના અમલમાં રાખવામાં આવી છે.