Vadodara

સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ

ધુમાડાના ગોટેગોટાએ સાવલી હાઈવેને બાનમાં લીધો

કંપનીની મિલકતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

વડોદરા-સાવલી રોડ પર આવેલા લાંમડાપુરા ગામ પાસે આવેલી રાજશા કેમિકલ કંપનીમાં લાગેલી વિકરાળ આગે સમગ્ર પંથકને બાનમાં લીધો હતો. કેમિકલના જથ્થામાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આકાશ કાળા ડિબાંગ ધુમાડાથી છવાઈ ગયું હતું અને દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા.

સાવલી-વડોદરા રોડ પર કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. લામડાપુરાના રાજશા કંપનીની આગની જ્વાળાઓ કિલોમીટરો સુધી દેખાઈ હતી. બનાવની જાણ થતાં 4 થી વધુ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, એક તબક્કે આ દ્રશ્યો જોઈ આસપાસના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલના ડ્રમ્સમાં થતા વિસ્ફોટોને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ભીષણ આગના દ્રશ્યો કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. પવનની ગતિને કારણે આગ વધુ પ્રસરવાની દહેશત ઊભી થતા ગામડાપુરા અને નજીકના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોમાં એવી ચર્ચા હતી કે જો આગ પર વહેલી તકે કાબૂ નહીં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક તેમજ લોકોના ટોળાને દૂર રાખવાની કામગીરી કરી હતી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ કંપનીની મિલકતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

Most Popular

To Top