શહેરોમાં વધતી ટ્રાફિક ભીડ વચ્ચે હવે મુસાફરીનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. રસ્તા પર દોડતી કેબ પછી હવે ઉબેર આકાશમાં પણ સેવા આપવાની તૈયારીમાં છે. પણ હજી આપણે ત્યાં થોડી રાહ જોવી પડશે. આ નવી સેવા સૌથી પહેલા દુબઈમાં શરૂ થવાની યોજના છે. પહેલી ઉબેર એર સેવા 2026ના અંત સુધીમાં લાઇવ થવાની અપેક્ષા છે, આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે. એટલે કે, મુસાફરને ઘરેથી ઉબેરની ગ્રાઉન્ડ કેબ લઈ જશે અને નજીકના વર્ટીપોર્ટ પર ઉતારશે. ત્યાંથી ઇલેક્ટ્રિક એર ટેક્સી દ્વારા તે ગંતવ્ય સુધી આકાશ માર્ગે પહોંચશે. આથી સમય બચત સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. Joby Aviation અને Uber Technologies વચ્ચે થયેલા સહયોગથી ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ટૂંક સમયમાં મુસાફરો ઉબેર એપ મારફતે સીધી ઉડતી ટેક્સી બુક કરી શકશે.
આ ઇલેક્ટ્રિક એર ટેક્સી આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા માપદંડોથી સજજ છે. તેની ઝડપ 200 માઇલ પ્રતિ કલાક એટલે કે આશરે 322 કિલોમીટર/કલાક છે. જે એક પાઇલટ ઉપરાંત 4 મુસાફરો આરામથી બેસી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણરીતે ચાર્જ કરાયેલી આ ટેક્સી લગભગ 160 કિલોમીટર સુધીની ઉડાન ભરી શકે છે. આ એરક્રાફ્ટમાં 6 ટિલ્ટિંગ પ્રોપેલર્સ છે, જે તેને વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ કરવાની ક્ષમતા આપે છે. ખાસ વાત એ છે કે તેનો અવાજ પરંપરાગત હેલિકોપ્ટર કરતાં ઘણો ઓછો હોય છે, જેથી શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને અવાજની અસર ઘટાડવામાં મદદ મળશે.
કંપનીએ અત્યાર સુધીમાં 50,000 માઇલથી વધુ પરીક્ષણ ઉડાનો પૂર્ણ કરી છે. હાલમાં અમેરિકાની ફેડરલ એવિએશન ઓથોરિટી તરફથી અંતિમ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ સુરક્ષા ધોરણો પૂર્ણ થયા બાદ જ આ સેવા સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવશે. ઉબેરની આ પહેલ શહેરી પરિવહનમાં ક્રાંતિ લાવી શકે છે. જો યોજના મુજબ અમલીકરણ થાય તો આવનારા સમયમાં ટેક્સી બોલાવશો ત્યારે આપણી મીટ રસ્તા પર મંડાતી પણ આ ટેક્સી શરૂ થતા લોકો આકાશભણી મીટ માંડશે.