Vadodara

બરોડા ડેરી ચૂંટણીમાં રંગોની રાજનીતિ: 2 માર્ચે ખુલેશે મેન્ડેટના પત્તા

13 બેઠકો માટે 48 ઉમેદવાર મેદાનમાં

વડોદરા જિલ્લાની સહકારી ચળવળનું મહત્વનું કેન્દ્ર ગણાતી બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. 13 ડિરેક્ટર પદ માટે કુલ 48 ઉમેદવારો મેદાનમાં ઉતરતાં આ ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ફાગણના તહેવારો પહેલા જ રાજકીય રંગો ઉડવા લાગ્યા છે, પરંતુ સાચી ‘ધુળેટી’ કોણ મનાવશે અને કોની આશાઓની ‘હોળી’ સળગશે તેનું ચિત્ર 2 માર્ચે સ્પષ્ટ થશે.
રાવપુરા સ્થિત જૂની કલેક્ટર કચેરી ખાતે આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 55 જેટલા ફોર્મ ભરાયા છે, જેમાં કેટલાક ઉમેદવારોએ ટેકનિકલ જોખમ ટાળવા બે-બે ફોર્મ પણ દાખલ કર્યા છે. જો ચકાસણી દરમિયાન કોઈ ફોર્મ રદ થશે તો સંબંધિત ઉમેદવાર માટે ચૂંટણી પહેલા જ રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે.
ચૂંટણીમાં સૌથી મોટો વળાંક 2 માર્ચે આવશે, કારણ કે ભાજપ દ્વારા આ વખતે ‘મેન્ડેટ સિસ્ટમ’ અમલમાં મૂકાઈ છે. પક્ષ કોને સત્તાવાર સમર્થન આપે છે તે નિર્ણય અનેક ઉમેદવારોના ભવિષ્ય નક્કી કરશે. ધારાસભ્યો પોતાના માનીતા ઉમેદવારોને જીતાડવા માટે સક્રિય બન્યા છે, જ્યારે હાલના ડિરેક્ટરો પોતાની પકડ મજબૂત રાખવા મથામણ કરી રહ્યા છે. આ આંતરિક દાવપેચને કારણે ‘બીજેપી વર્સીસ બીજેપી’ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઝોન-11માં જી.બી. સોલંકી બિનહરીફ જાહેર થતાં ત્યાં ચૂંટણી પહેલા જ સમીકરણો શાંત થઈ ગયા છે. પરંતુ ઝોન-6માં સૌથી વધુ 9 ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્યાં ત્રિપક્ષીય નહીં પરંતુ બહુમતિ જંગ જામવાની સંભાવના છે. અન્ય ઝોનમાં પણ ગણિત ગોઠવાઈ રહ્યું છે.
18 માર્ચે મતદાન યોજાશે અને ત્યારબાદ જ બરોડા ડેરીના નવા શાસકોનું ચિત્ર સ્પષ્ટ થશે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ ચૂંટણી ફક્ત સહકારી સંસ્થાની અંદરની સત્તા બદલાવ પૂરતી નહીં રહે, પરંતુ વડોદરાના સહકારી રાજકારણમાં લાંબા ગાળાના પ્રભાવ પાડી શકે છે.

મેન્ડેટની રમત: કોણ રંગાશે, કોણ બહાર જશે?
આ વખતે પક્ષીય મેન્ડેટ જ ચૂંટણીનું બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે. 2 માર્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે જ ખબર પડશે કે કોણ પક્ષના આશીર્વાદ સાથે મેદાનમાં ટકશે અને કોને રાજકીય ગણિત સામે માથું નમાવવું પડશે.
ફાગણના રંગો વચ્ચે બરોડા ડેરીની આ ચૂંટણી હવે ફક્ત સંસ્થાની સીમામાં સીમિત નથી રહી — તે વડોદરાના સહકારી શક્તિ સમીકરણોને પણ નવી દિશા આપશે.

Most Popular

To Top