Vadodara

વડોદરા તાલુકા પંચાયતની છેલ્લી સભા, બજેટ મંજૂર પણ 5 વર્ષમાં નવી કચેરી માટે જમીન મેળવવામાં સત્તાધીશો નિષ્ફળ

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

વડોદરા તાલુકા પંચાયતની વર્તમાન ટર્મની અંતિમ સામાન્ય સભા આજે પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભામાં આગામી વર્ષના અંદાજપત્ર (બજેટ) ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, સાથે જ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મળેલા સાથ-સહકાર બદલ આભાર ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આ પાંચ વર્ષના અંતે પણ તાલુકા પંચાયતને પોતાની નવી કચેરી માટે જમીન મેળવવામાં સફળતા ન મળતા સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો. સામાન્ય સભાના એજન્ડા પરના તમામ કામો અને વિકાસલક્ષી અંદાજપત્રને સભામાં બહાલી આપવામાં આવી હતી. વિદાય લઈ રહેલા સભ્યોએ એકબીજાનો આભાર માન્યો હતો અને પાંચ વર્ષના શાસનકાળના અનુભવો વહેંચ્યા હતા. સૌથી વધુ ચર્ચા નવી કચેરી અને જમીન ફાળવણી મુદ્દે જોવા મળી હતી. છેલ્લા 5 વર્ષથી વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો નવી કચેરી માટે પ્રયત્નશીલ હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ સુધી જમીન સંપાદન થઈ શકી નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, સત્તાધીશોએ માત્ર કાગળ પર પત્રવ્યવહાર કરીને સંતોષ માન્યો છે, પરિણામે ટર્મ પૂરી થવા આવી છતાં નવી કચેરીનું સપનું સાકાર થયું નથી. હાલમાં ખાનપુર ખાતે જે જમીનની માંગણી કરવામાં આવી છે, તેની વહીવટી પ્રક્રિયા ગતિમાં હોવાનું જણાવાયું છે. જિલ્લા કલેક્ટર કચેરી તરફથી ટૂંક સમયમાં જ હકારાત્મક નિર્ણય આવશે તેવી આશા સાથે સભ્યોએ અંતિમ સભામાં હાજરી આપી હતી. હવે જોવાનું એ રહે છે કે નવી ટર્મમાં આવનારા સભ્યોને તૈયાર જમીન મળે છે કે પછી તેમણે પણ ફરીથી ‘કાગળીયા’ જ કરવા પડશે.

Most Popular

To Top