રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ‘વાયુ શક્તિ 2026’ કાર્યક્રમ ભવ્ય શરૂઆત સાથે શરૂ થયો છે. દેશના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુએ જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરી દેશની સૈન્ય ક્ષમતાનો સંદેશ આપ્યો હતો. ‘પ્રચંડ’ હેલિકોપ્ટર Hindustan Aeronautics Limited દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જે એકસાથે 48 રોકેટ છોડવાની ક્ષમતા ધરાવે છે. તેમ જ રણપ્રદેશની તાપમાનભરી પરિસ્થિતિઓથી લઈને સિયાચીન જેવી ઊંચાઈઓ પર કામગીરી માટે તૈયાર કરવામાં આવેલ આ હેલિકોપ્ટર આધુનિક હથિયારો અને મિશન સિસ્ટમોથી સજ્જ છે. રાષ્ટ્રપતિ મુર્મુ અગાઉ પણ લડાકુ વિમાનોમાં ઉડાન ભરી ચૂક્યા છે. તેમણે Rafale અને Sukhoi Su-30MKIમાં ઉડાન ભરી પોતાની નિર્ભયતા દર્શાવી હતી. ગઈ સાંજે જેસલમેર પહોંચતા રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું.



પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે સાંજ પડતા જ આકાશ ગર્જનાથી ગુંજી ઉઠશે. ‘વાયુ શક્તિ 2026’ અંતર્ગત 120થી વધુ વિમાનો વિવિધ યુદ્ધ પરિસ્થિતિઓનું પ્રદર્શન કરશે. તેમાં 77 ફાઇટર જેટનો સમાવેશ છે. Mirage 2000 અને SEPECAT Jaguar સહિતના લડાકુ વિમાનો લક્ષ્યાંકોને નિશાન બનાવશે, જ્યારે સુખોઈ દુશ્મન કમાન્ડ સેન્ટરો પર સચોટ પ્રહારની કવાયત દર્શાવશે. ‘પ્રચંડ’ હેલિકોપ્ટર આગળની લાઈનમાં શત્રુના મહત્વના ઠેકાણાઓ પર હુમલાની ક્ષમતા રજૂ કરશે. આ કવાયત દરમિયાન C-295 વિમાન પ્રથમ વખત રાત્રિના અંધકારમાં નાઇટ એસોલ્ટ લેન્ડિંગ કરશે. સાથે સાથે C-130J Super Hercules ટૂંકા રનવે પર ઉતરી ગરુડ કમાન્ડોને યુદ્ધક્ષેત્રમાં ઉતારવાની કામગીરીનું પ્રદર્શન કરશે. જોકે, આ વખતે સ્વદેશી ‘તેજસ’ વિમાન કાર્યક્રમમાં સામેલ નથી. તાજેતરની ટેકનિકલ ખામીને કારણે તેના તમામ વિમાનોનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. સુરક્ષા કારણોસર ચંદનથી પોખરણ સુધીનો વિસ્તાર નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે અને એજન્સીઓ સતત નજર રાખી રહી છે. ‘વાયુ શક્તિ 2026’ દ્વારા ભારતીય વાયુસેનાની તૈયારી, ટેકનોલોજી અને સંકલનની શક્તિ દેશ સમક્ષ ઉજાગર થઈ રહી છે.