રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. હોળીનો તહેવાર બસ નજીક જ છે ત્યારે લખનઊમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં અન્ય જગ્યાઓની સાથે પ્રખ્યાત બ્રાન્ડ હલ્દીરામ પણ ક્વોલિટી ફૂડના મામલે નિષ્ફળ રહી છે. હાથ ધરાયેલી વિશેષ કાર્યવાહી દરમિયાન જાણીતી બ્રાન્ડ હલ્દીરામના વેરહાઉસમાંથી 112 કિલોના જથ્થામાં એક્સપાઇર સોનપાપડી અને રાજભોગ મળી આવતા હડકંપ મચ્યો છે. વિભાગની ટીમે સ્થળ પર જ સમગ્ર જથ્થાનો નાશ કર્યો હતો. ફૈજુલ્લાગંજ અને મોહિબુલ્લાપુર વિસ્તારમાં આવેલા વેરહાઉસની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, નિયમો મુજબ દરેક કંપનીએ તેના જથ્થાબંધ માલમાંથી જે સામ્રગીની એક્સપાઇરીડ ડેટ નીકળી ગઈ હોય એવી વસ્તુઓને નક્કી કરાયેલા વિભાગમાં આવો માલ વેચાણ માટે નથી અને ખાવા યોગ્ય નથી તરીકે ચિહ્નિત કરી અલગ સંગ્રહિત કરવો ફરજિયાત છે, પરંતુ અહીં તે પ્રક્રિયાનું પાલન થયું ન હતું. આ મીઠાઈ વેચાણ વિભાગમાં જ રાખવામાં આવી હતી. જપ્ત કરાયેલ મીઠાઈની અંદાજિત કિંમત 45,000 રૂપિયા હોવાનું જણાવાયું છે. આ સિવાય ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે હલ્દીરામના સ્ટોરેજમાંથી પેડા, રસગુલ્લા, ગુલાબ જામુન, પેઠા અને ગુજિયાના કુલ 15 નમૂનાઓ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) એ લખનઊમાં હલ્દીરામના વેરહાઉસ પર દરોડો પાડ્યો અને 1 ક્વિન્ટલથી વધુ મુદતવીતી મીઠાઈઓનો નાશ કર્યો અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
કાર્યવાહી દરમિયાન માત્ર મીઠાઈ જ નહીં, પરંતુ શહેરના વિવિધ કોલ્ડ સ્ટોરેજ પર પણ દરોડા પાડવામાં આવ્યા. ઐશબાગ વિસ્તારમાં આવેલા સ્વરૂપ કોલ્ડ સ્ટોરેજમાંથી 8,499 કિલો કાળા મરી અને 378 કિલો હલકી ગુણવત્તાવાળો માવો કબજે કરવામાં આવ્યો. શહેરવ્યાપી અભિયાનમાં કુલ 10,415 કિલો મસાલા અને ખાદ્ય પદાર્થો જપ્ત થયા, જેમની બજાર કિંમત 55 લાખથી વધુ હોવાનું અંદાજ છે. શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ પનીર અને ગુજિયાના નમૂનાઓ લેવામાં આવ્યા છે. અહેવાલ મળ્યા બાદ સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને જેલની સજાની જોગવાઈ છે. આ સાથે જ “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” અભિયાન અંતર્ગત 26 ફેબ્રુઆરીએ સીતાપુર રોડ અને મડિયાનાવ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિભાગે ચેતવણી આપી કે તહેવાર દરમિયાન વેચાતા તેજ રંગવાળા પાપડ અને કચરીમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે, જે પેટના રોગ, એલર્જી અને લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સોશિયલ મીડિયા પર લોકો બ્રાન્ડેડ કંપનીઓમાં પણ સમાપ્તિ તારીખની કડક તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. હલ્દીરામ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. વિભાગે સ્પષ્ટ કર્યું કે આ પ્રાથમિક રીતે સંગ્રહ સ્તરની બેદરકારી જણાઈ રહી છે અને તપાસ ચાલુ છે. ગ્રાહકોને ખરીદી પહેલા પેકેટ પરની સમયમર્યાદા ચોક્કસ તપાસવાની સલાહ આપવામાં આવી છે.