સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ, સાણંદના પ્લાન્ટમાં બનશે SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો, 2000 લોકોની ટીમ કાર્યરત, આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારી મળશે.
ગાંધીનગર,તા.26
આગામી તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદની મુલાકાતે આવી માઈક્રોન ટેકનોલોજી (Micron Technology) ના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદ ખાતે માઈક્રોન સેમીકંન્ડકટર ટેકનોલોજી ઈનડિયા પ્રા.લી દ્વારા રૂા.૨૨,૫૧૬ કરોડનું વિશાળ રોકાણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુવિધા શરૂ થતાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે અને ભારતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે નવી ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થશે. વડાપ્રધાનની સાણંદ મુલાકાતને લઈને રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પ્રોજેક્ટને દેશને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે.
સાણંદના આ પ્લાન્ટમાં હાલમાં ૨૦૦૦ કર્મચારીઓની ટીમ કાર્યરત છે અને આગામી સમયમાં અંદાજે ૫ હજાર લોકોને સીધી રોજગારી મળશે. ખાસ વાત એ છે કે અહીં દિવ્યાંગ નાગરિકો માટે પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે, જે સમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડે છે.
સાણંદના આ પ્લાન્ટમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઈવ) તેમજ રેમ પ્રકારના DRAM અને NAND મેમરી ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉત્પાદનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની અદ્યતન ટેક્નોલોજી માટે અત્યંત આવશ્યક છે. માઇક્રોનના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી સંજય મહેરોત્રાએ જણાવ્યું છે કે આજના AI યુગમાં મેમરી અને સ્ટોરેજ પ્રણાલીઓ સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. મજબૂત મેમરી સપોર્ટ વિના AI સિસ્ટમ્સ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી અને જેમ જેમ રિયલ-ટાઈમ અને ઝડપી પ્રતિભાવ આપતી ટેક્નોલોજી વિકસે છે, તેમ અદ્યતન મેમરીની માંગ વધતી જાય છે.
રેતીથી ચીપ સુધીની સફર
સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી શુદ્ધ સિલિકોન મેળવવાથી શરૂ થાય છે. સિલિકોનને ઓગાળીને ઇનગોટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને પાતળી વેફર્સમાં કાપવામાં આવે છે. ફેબ્રિકેશન પ્રક્રિયામાં ફોટોલિથોગ્રાફી દ્વારા વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન અને વિવિધ સ્તરો ચડાવી ટ્રાન્ઝિસ્ટર્સ બનાવવામાં આવે છે, જેના માધ્યમથી મેમરી ચીપ તૈયાર થાય છે.આ તૈયાર ચીપ ATMP પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેની એસેમ્બલી, સ્પીડ અને કાર્યક્ષમતાનું સંપૂર્ણ ટેસ્ટિંગ, વિગતવાર માર્કિંગ અને અંતે પેકેજિંગ કરવામાં આવે છે. સાણંદ પ્લાન્ટમાં વૈશ્વિક બજારને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઈવ્સનું ઉત્પાદન થશે.માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં તૈયાર થયેલા અદ્યતન DRAM અને NAND વેફર્સને અહીં ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં આવશે, જે AI ક્ષેત્રમાં વધી રહેલી મેમરી અને સ્ટોરેજની માંગ પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.