SURAT

ધમકીનો હંગામો કે માત્ર ગેરસમજ? મેસેજની ભૂલથી તંત્ર દોડતું થયું, તપાસમાં બહાર આવ્યું સત્ય

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ઈ-મેઈલ ધમકીઓથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર દોડતું થયું હતું. સત્તાવાર ઈ-મેઈલ દ્વારા મળેલી આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ઉમરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસર ખંગાળી નાખ્યું હતું. દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ઈ-મેઈલના સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ટીમ પણ સક્રિય બની છે.

Surat Passport Officeને વહેલી સવારે મળેલા ધમકીભર્યા ઈ-મેઈલને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ હતી.27 ફેબ્રુઆરીએ સવારે અંદાજે 5 વાગ્યે ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ પર અંગ્રેજીમાં લખાયેલ સંદેશ મળ્યો, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઓફિસ શરૂ થતા જ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડાયો અને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ.

સુરત ના પીપલોદ સ્થિત પાસપોર્ટ કચેરી ખાતે સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડી આવ્યા. સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ડોગ સ્ક્વોડ અને આધુનિક સાધનોની મદદથી ખૂણેખૂણાની તપાસ હાથ ધરાઈ.સાથે સાથે, સાવચેતીના પગલાં રૂપે Sector 11 Main Post Office અને Civil Hospital Gandhinagar Boys Hostelને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા. જોકે તપાસમાં ખુલ્યું કે કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ જ નહોતો અને એક વ્યક્તિ દ્વારા મેસેજ ભૂલથી ફોરવર્ડ થતાં ગેરસમજ ઊભી થઈ હતી.

આ જ રીતે ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને પણ ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. ડિવિઝનલ કચેરીને મળેલી આ ચેતવણી બાદ પોલીસ તંત્રએ ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. અમરેલી પોસ્ટ ઓફિસને મળેલી સમાન પ્રકારની ધમકીએ પણ ચિંતા વધારી દીધી છે. ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી તપાસ શરૂ કરી હતી.

આ પહેલા 16 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરા અને અમદાવાદની કુલ 40 શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. તેમાં 25 શાળાઓ વડોદરા શહેર-જિલ્લાની અને 15 શાળાઓ અમદાવાદની હતી.ધમકી મળતા જ વાલીઓમાં ગભરાટ ફેલાયો અને બાળકોને લેવા શાળાઓ પર ભીડ ઉમટી પડી હતી.

પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તમામ શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડની ટીમોને પણ તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં સુરત, ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં મળેલી તાજી ધમકીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. બોર્ડ પરીક્ષાના સંવેદનશીલ સમયમાં સરકારી કચેરીઓને નિશાન બનાવતી આવી ઈ-મેઈલ ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ કરી છે.

હાલ તો પોલીસ પૂછપરછ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ બોમ્બ કે જોખમજનક વસ્તુ મળી આવી નથી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને સુરક્ષિત હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે.

Most Popular

To Top