Sports

હાશ! ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રનથી પરાજિત કરી સેમિફાઇનલની આશા જીવંત રાખી

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2026ના મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવી દીધું. શક્તિશાળી બેટિંગ અને કસી ગયેલી બોલિંગના સંયોજનથી ભારતે એકતરફી જીત મેળવી અને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા યથાવત રાખી છે. આ જીતનો સીધો લાભ સાઉથ આફ્રિકાને મળ્યો છે. સુપર-8 ગ્રુપ Aમાંથી સાઉથ આફ્રિકા સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કરી ગયું છે, જ્યારે ઝિમ્બાબ્વે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ભારત માટે હવે આગળનો રસ્તો સ્પષ્ટ છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાનાર છેલ્લી મેચમાં વેસ્ટઇન્ડીઝને હરાવવી જ પડશે. આ મુકાબલાની વિજેતા ટીમ સેમિફાઇનલમાં જશે. નેટ રન રેટ અહીં ગણતરીમાં નથી, એટલે સીધી જીત જ નિર્ણાયક રહેશે.

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી. અભિષેક શર્માએ 55 રનની દમદાર ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત પાયો આપ્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ માત્ર 23 બોલમાં ઝડપી 50 રન ફટકારી મેચનો રંગ બદલ્યો. તિલક વર્માએ પણ 16 બોલમાં 44 રન બનાવી નાબાદ રહ્યા.ભારતે નિર્ધારિત 20 ઓવરમાં કુલ 256 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. આ સ્કોર હાલની ટી20 વર્લ્ડ કપ આવૃત્તિનો સૌથી મોટો સ્કોર છે અને ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર ગણાય છે. ભારતીય બેટ્સમેનોએ કુલ 17 છગ્ગા ફટકાર્યા, જે ઝિમ્બાબ્વેના બોલરો પર સંપૂર્ણ દબદબો દર્શાવે છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રજાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વે એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી, જ્યારે ભારતે બે ફેરફાર કર્યા હતા. ભારતીય કેપ્ટને ટોસ સમયે જણાવ્યું કે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલને અને રિંકૂ સિંહની જગ્યાએ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે ભારત માટે આગળની મેચ ખરેખર ‘કરો અથવા મરો’ જેવી પરિસ્થિતિ સર્જે છે. જીત મળશે તો સેમિફાઇનલ, હાર થશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર એટલું સ્પષ્ટ ગણિત છે.

Most Popular

To Top