ગાંધીનગર,તા.25
રાજય સરકારે ડ્રગ્સ મુક્ત રાજ્યના સંકલ્પ સાથે છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સના – નશાના કારોબાર સામે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભામાં માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડ્રગ્સની દાણચોરી – હેરાફેરી મામલે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર કામ કરી રહી છે અને ડ્રગ્સના સોદાગરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે અને આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત રૂ. ૩,૭૨૭ કરોડથી વધુ છે. જામનગર અને કચ્છ જિલ્લામાં ૧૩૫ ગુનાઓમાં ૩૦૬ આરોપીઓની ધરપકડ કરી રૂ. ૨૪૪.૫૯ કરોડનું ડ્રગ્સ પકડાયું છે.
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે ‘ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન’ દ્વારા ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી કરી છે. કચ્છ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓની રૂ. ૩૨.૨૦ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે અને ગેરકાયદે બાંધકામો પર ‘દાદાનું બુલડોઝર’ ફેરવાયું છે. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ઉભા કરાયેલા મકાનોને પણ જમીનદોસ્ત કરાયા છે. અન્ય રાજ્યો સાથે સંકલન સાધી આંતરરાજ્ય નેટવર્ક પણ તોડી પાડવામાં આવ્યા છે.દરિયાઈ માર્ગે થતી હેરાફેરી રોકવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે.
રાજ્યમાં ૬ ઝોનમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કાર્યરત છે. ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર ૦.૮ હોવાનું જણાવાયું છે, જે દેશભરમાં સૌથી ઓછું ગણાય છે. સંઘવીએ કહયું હતું કે સરકાર કાયદાકીય કાર્યવાહી સાથે માનવીય અભિગમ પણ અપનાવી રહી છે. સુરત અને અમદાવાદમાં કાઉન્સેલિંગ દ્વારા ડ્રગ્સની લતગ્રસ્ત યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વર્ષે દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.જો કે સરકારનો સ્પષ્ટ સંદેશ છે—ડ્રગ્સના સોદાગરો માટે ગુજરાતમાં હવે કોઈ સ્થાન નથી.