ગુજરાત આગામી ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ‘સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ તથા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન દ્વારા આયોજિત આ વૈશ્વિક કોન્ફરન્સનું થીમ ‘ગુજરાત: ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ રાખવામાં આવ્યું છે, જે રાજ્યને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં દૃઢ પ્રયાસ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી, રેલવે તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ-ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્નોલોજીમાં આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત છે, જેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને દેશના વિકાસ એજન્ડાના કેન્દ્રસ્થાને સ્થાન આપવામાં આવ્યું છે.પીએમ નરેન્દ્ર મોદી પણ આ સમારંભમાં ગાંધીનગરમાં અથવા તો ધોલેરા મુલાકાતે આવે તેવી પણ સંભાવના છે.
બે દિવસીય આ કોન્ફરન્સમાં વૈશ્વિક સીઇઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓ ભાગ લેશે. પ્રથમ દિવસે નેક્સ્ટ જનરેશન સેમિકન્ડક્ટર રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ, ધોલેરા અને સાણંદ જેવા ઉદ્યોગ હબ માટે લોજિસ્ટિક્સ અને નિકાસ સજ્જતા, તેમજ ભવિષ્યના કૌશલ્ય વિકાસ જેવા વિષયો પર ચર્ચા થશે. સાથે જ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડથી લઈને કોમ્પોનેન્ટ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ થશે. માઇક્રોન સપ્લાયર્સ રાઉન્ડટેબલ, જાપાન અને તાઇવાન સાથે વિશેષ રાઉન્ડટેબલ અને ‘ફ્રોમ સિલિકોન ટુ સ્ટુડન્ટ્સ’ વિષયક સત્રો પણ યોજાશે.બીજા દિવસે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે ગાઇડેડ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિનિધિઓને રાજ્યના આધુનિક ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રત્યક્ષ અનુભવ મળશે.
કોન્ફરન્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના ડૉ. રણધીર ઠાકુર, માઇક્રોન ટેક્નોલોજીના સંજય મેહરોત્રા, સીજી સેમીના જી.સી. ચતુર્વેદી, કેન્સ ટેક્નોલોજીના રમેશ કુન્હીકન્નન, સેમીના અજિત મનોચા અને જ્યોર્જિયા ટેકના ડૉ. રાવ તુમ્માલા જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ હાજરી આપશે.માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી સેમી અને કેન્સ સહિતની અગ્રણી કંપનીઓ તેમજ જાપાન, કોરિયા અને ભારતની વિવિધ ઉદ્યોગ સંસ્થાઓનો આ પહેલને સમર્થન મળ્યું છે.’સેમિકનેક્ટ ૨૦૨૬’ ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને સંશોધનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.