Gujarat

‘વોકલ ફોર લોકલ’ને વેગ – ૧૫ માર્ચ સુધી રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા

ગાંધીનગર,તા.25
આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત સરકારે શહેરી સ્તરે વ્યાપક અભિયાન રૂપે આગળ વધાર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા રાજ્યવ્યાપી સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને મજબૂત બજાર-મંચ પૂરો પાડે છે.

રાજ્યમાં ૧૫ માર્ચ ૨૦૨૬ સુધીમાં તમામ ૧૫૨ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. આ આયોજન હેઠળ ૧૫૦૦થી વધુ સ્ટોલ સ્વસહાય જૂથોને, ૧૪૦૦થી વધુ સ્ટોલ શેરી ફેરીયાઓને, ૧૨૦૦ સ્ટોલ ખાણીપીણી માટે અને ૧૬૫૦થી વધુ સ્ટોલ અન્ય કારીગરો માટે ફાળવવામાં આવી રહ્યા છે. હસ્તકલા, હેન્ડલૂમ, ઘરગથ્થુ ઉત્પાદનો અને સ્થાનિક ખાદ્ય વસ્તુઓને પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં ૩૮ નગરપાલિકાઓમાં મેળાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં યોજાયેલા મેળાઓમાં ૧ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને ₹૮૩ લાખથી વધુનું વેચાણ નોંધાયું છે. આ આંકડા દર્શાવે છે કે નાગરિકો ‘વોકલ ફોર લોકલ’ અભિયાન સાથે ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત દશેરા-દિવાળી દરમિયાન ૧૬ શહેરોમાં યોજાયેલા પ્લાસ્ટિક-ફ્રી સ્વદેશી ફેસ્ટિવલમાં ૪૦.૫૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹૧૦ કરોડથી વધુનું વેચાણ થયું હતું. આ સફળતા બાદ હવે રાજ્યવ્યાપી સ્તરે આયોજનથી સ્થાનિક અર્થતંત્રને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારના મતે, સ્વદેશી મેળાઓ માત્ર વેપાર માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ શહેરી નાના વેપારી અને નાના ઉદ્યોગોને આત્મનિર્ભર બનવા દિશામાં સશક્ત બનાવવાનો અસરકારક પ્રયાસ છે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે ગુજરાત સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આગળ વધી રહ્યું છે.

Most Popular

To Top