ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારે જિલ્લામાંથી પકડાયેલ ગૌમાંસ અને ગોવંશ અંગે વિગતવાર આંકડાકીય માહિતી માંગી હતી. જેના જવાબમાં સરકારે આપેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૨૧,૫૮૮.૯૮ કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ ૨૦૨૪માં આ જ આંકડો ૨૨,૦૪૬.૮૪ કિલો રહ્યો હતો. એટલે કે ગૌમાંસ જપ્તીની માત્રામાં થોડી ઘટ જોવા મળી છે.
સરકારે આપેલી મહિતી મુજબ જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૫ દરમિયાન નવસારી જિલ્લામાં ૬૭.૭ કિલો, વલસાડમાં ૨૨૪.૨ કિલો, પંચમહાલમાં ૧૧૦૧ કિલો અને આણંદમાં ૬૦૦ કિલો ગૌમાંસ જપ્ત થયું હતું. સુરત શહેરમાં સૌથી વધુ ૧૩,૩૩૩.૨૮ કિલો અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૩૨૪૬ કિલો જપ્તી નોંધાઈ હતી. ગીર-સોમનાથ જિલ્લામાં ૩૪૦ કિલો, રાજકોટ શહેરમાં ૩૨૦ કિલો, મહીસાગરમાં ૮૮૫ કિલો, તાપીમાં ૩૯૦ કિલો, અરવલ્લીમાં ૧૫૫૧ કિલો, દેવભૂમિ દ્વારકામાં ૨૦ કિલો, સુરેન્દ્રનગરમાં ૧૪૪ કિલો, ગાંધીનગરમાં ૫૦૨ કિલો, અમદાવાદ શહેરમાં ૧૧૯૫ કિલો અને અમદાવાદ ગ્રામ્યમાં ૨૫ કિલો ગૌમાંસ જપ્ત થયું હતું, જ્યારે ભાવનગર, પોરબંદર, અમરેલી, મહેસાણા, જુનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન કોઈ જપ્તી નોંધાઈ નથી. ગોવંશ પકડવાના મામલામાં વર્ષ ૨૦૨૫માં કુલ ૮૨૯ પ્રાણીઓ બચાવવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૪માં ૪૩૫ ગોવંશ પકડાયા હતા.
ગોવંશ બાબતે પંચમહાલમાં ૨૩૮, અરવલ્લીમાં ૨૧૪, સુરત ગ્રામ્યમાં ૭૯, નવસારીમાં ૫૨, વલસાડમાં ૮૧, આણંદમાં ૩૭, મહીસાગરમાં ૩, તાપીમાં ૩૪, સુરેન્દ્રનગરમાં ૫, ગાંધીનગરમાં ૧૮ અને અમદાવાદ શહેરમાં ૧૫ ગોવંશ પકડાયા હોવાનું સરકારે માહિતી આપી છે.