Editorial

દેશમાં ફરજિયાત મતદાનનું મિકેનિઝમ ઉભું કરવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ

ભારત દેશમાં લોકશાહી છે અને આ લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે. ચૂંટણીમાં મતદાન પણ એટલું જ જરૂરી છે પરંતુ ભારતમાં એવી સ્થિતિ છે કે જેટલા મતદારો છે તેમાંથી અનેક મતદારો મતદાન જ કરતાં નથી. મતદાન ઓછું થવાને કારણે જે લાયક નહીં હોય તેવા ઉમેદવારો પણ ચૂંટાઈ આવે છે. ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે મતદાન વધારવા માટે અનેક પ્રયાસો-પ્રચારો કરવામાં આવે છે પરંતુ મતદાનની ટકાવારી હજુ સુધી 100 ટકા પર પહોંચી શકી નથી. ભારતમાં એવો કોઈ જ કાયદો નથી કે પ્રત્યેક મતદારે ફરજિયાત મતદાન કરવું જોઈએ. આ કારણે જ હવે સુપ્રીમ કોર્ટે આગેવાની લીધી છે અને ભારતમાં લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મતદાનને ફરજિયાત બનાવવા એક મિકેનિઝમ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટનું એવું માનવું છે કે , ચૂંટણીમાં દરેક નાગરિકની ભાગીદારી એ માત્ર હક નથી પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદારો મતદાનથી દૂર રહે છે . જે તંદુરસ્ત લોકશાહી માટે યોગ્ય નથી. જો મતદાન ફરજિયાત કરવામાં આવે તો સરકારની પસંદગીમાં જનતાનો સાચો અને સંપૂર્ણ મતાધિકાર પ્રતિબિંબિત થાય તેમ છે. સુપ્રીમ કોર્ટના આદેશને કારણે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા મતદાનને ફરજિયાત કરવા માટેના પગલાઓ ઘડવામાં આવશે. ફરજિયાત મતદાનનો મુદ્દો વિવાદી પણ છે અને તે માટેનો કાયદો બનાવવા માટે બંધારણમાં પણ સુધારો કરવો પડે તેવી સંભાવના છે. હાલના રાજકારણમાં મતદાન ફરજિયાત કરવાનો કાયદો બને કે કેમ? તે રાજકારણનો વિષય છે પરંતુ એ વાત સત્ય છે કે મતદાનને ફરજિયાત બનાવવામાં આવે તો પ્રત્યેક નાગરિક પોતાની ફરજ પ્રત્યે સાવધાન થાય તેમ છે. જોકે, સાથે સાથે અનેક વિસંગતતાઓ પણ સર્જાય તેમ છે. ફરજિયાત મતદાન કરવા માટે ચૂંટણી પંચે મોટી કવાયત કરવી પડે તેમ છે.

હાલમાં ચાલી રહેલી સરની કામગીરીમાં જ એટલા વિવાદો સર્જાયા છે કે જો મતદાર યાદી જ સંપૂર્ણ નહીં હોય તો મતદાન ફરજિયાત કેવી રીતે કરાવી શકાશે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. મતદાનને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ પણ જો કોઈ દ્વારા મતદાન કરવામાં નહીં આવે તો શું કરવું તે પણ મોટો પ્રશ્ન છે. વિશ્વના અનેક દેશોમાં મતદાન મરજિયાત જ છે. મતદાનને હક તરીકે ગણાવવામાં આવ્યો છે. તેને ફરજ તરીકે નિયત કરવામાં આવ્યું નથી. મતદાન ફરજિયાત કરવામાં આવે તો ચૂંટણીના પરિણામો પર પણ મોટી અસર જોવા મળી શકે તેમ છે.

હાલમાં એવી સ્થિતિ છે કે ઓછા મતદાનને કારણે ઘણી વખત અયોગ્ય ઉમેદવાર પણ ચૂંટાઈ આવે છે. જોકે, જો મતદાન ફરજિયાત કરવામાં આવે અને તમામ મતદારો મતદાન કરવા માટે આવે તો મતદાન માટેની વ્યવસ્થાઓમાં ધરમૂળથી ફેરફારો કરવા પડે તેમ છે. બુથોની સંખ્યા વધારવાથી માંડીને મતદાન કેન્દ્રોની સંખ્યા પણ વધારવી પડે તેમ છે. હાલના રાજકારણના સિનારીયોમાં કેન્દ્રની ભાજપ સરકાર પણ ઈચ્છતી જ હતી કે મતદાનને ફરજિયાત કરવામાં આવે કે જેથી તેમને રાજકીય લાભ થાય. હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે ત્યારે આગામી દિવસોમાં મતદાનને ફરજિયાત કરવા માટેના કાયદાઓ ઘડવામાં આવશે તે નક્કી છે.

Most Popular

To Top