અમદાવાદ : શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપી સોશીયલ મિડીયા મારફતે રૂ. 1.54 કરોડની છેતરપિંડી આચરનાર ગેંગના બેક કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ સાયબર ક્રાઈમએ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સાયબર ફોર્ડ કરતી ગેંગ દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં લિંક મોકલી રોકાણ કરાવી છેતરપીંડી આચરતી હતી. દેશમાં જુદા જુદા રાજ્યમાં 414 ફરિયાદો સામે આવી છે.
આ અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ 15મી ડિસેમ્બર 2025થી 04થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીઓએ નકલી એપ અને લિંક દ્વારા શેર તથા આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને અલગ-અલગ એકાઉન્ટમાં ટુકડે-ટુકડે રૂ. 1,54,00,000 જમા કરાવ્યા હતા. રકમ પરત ન મળતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ ફરિયાદના આધારે તપાસ કરતાં ભાવનગર, સુરત અને અમદાવાદથી આરોપી હરેશ શામજીભાઈ મકવાણા (રહે. મૂળ ભાવનગર, હાલ સુરત), રાજુ માધુભાઈ મકવાણા (રહે. તળાજા, ભાવનગર), મહેશ રાજેશકુમાર તારાણી (રહે. સાબરમતી, અમદાવાદ), પૂજાબેન ફેડ્રીક પરીયત (રહે. ચાંદખેડા, અમદાવાદ) અને રેહના રિદ્યમ દરજી (રહે. ચાંદખેડા, મૂળ સુરત)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ, ચેકબુક, એટીએમ કાર્ડ, સિમકાર્ડ સહિત રૂ. 1,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ધરપકડ કરાયેલા આરોપીની તપાસ કરતા ફ્રોડની રકમ બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ મોબાઇલ અને ઇ-મેઇલ બદલવામાં આવતા હતા. ત્યારબાદ સ્વીપ એફડી બનાવી રકમ સોનામાં રૂપાંતરિત કરી અન્ય સાગરિત આરોપીઓને મોકલવામાં આવતી હતી. વધુ તપાસમાં 414 ફરિયાદો દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.