Gujarat

કચ્છમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા સંયુક્ત પેટ્રોલિંગ

ગાંધીનગર : કચ્છની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાનો કડક સંદેશ આપતા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની બે દિવસીય વ્યૂહાત્મક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તા. ૨૧-૨૨ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આ મુલાકાતમાં સરહદી અને દરિયાઈ સુરક્ષા વધુ સઘન બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠકો, સંયુક્ત પેટ્રોલિંગ અને મેદાની સમીક્ષાઓ હાથ ધરવામાં આવી હતી.

ભુજ ખાતે યોજાયેલી હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સમાં સરહદી વિસ્તારમાં વધતા પડકારો, ડ્રગ્સની હેરાફેરી અને સંભવિત ઘૂસણખોરી અંગે ગંભીર સમીક્ષા કરવામાં આવી. ત્યારબાદ BSF, ભારતીય વાયુસેના, કોસ્ટ ગાર્ડ, IB અને NTRO સહિતની એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં ઇન્ટેલિજન્સ શેરિંગ મજબૂત કરવા અને આંતર-એજન્સી સંકલન વધુ અસરકારક બનાવવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત થયો. NCORD હેઠળ ડ્રગ્સ વિરોધી કામગીરીને વધુ ગતિ આપવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

કચ્છની મુલાકાત દરમિયાન ડૉ. રાવે નલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તેને દત્તક લેવાની જાહેરાત કરી અને આધુનિક સુવિધાઓ માટે રૂપિયા ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી. પોલીસ જવાનો સાથે ‘બડા ખાના’ યોજી તેમનું મનોબળ વધાર્યું તેમજ સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરી સમસ્યાઓ જાણીને નિવારણ માટે આશ્વાસન આપ્યું હતું.

જખૌ દરિયાકાંઠે ધ્વજવંદન કરીને સુરક્ષા જવાનોને અભિવાદન કર્યા બાદ ડૉ. રાવે કોસ્ટ ગાર્ડ અને BSFના જવાનો સાથે સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ કર્યું. સુરક્ષા કવચની સજ્જતા અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગની સમીક્ષા કરી. પિંગલેશ્વર આઉટપોસ્ટની મુલાકાત દરમિયાન દરિયાઈ પટ્ટીની સંવેદનશીલતા ધ્યાનમાં રાખી સતત એલર્ટ રહેવા અને ઝડપી પ્રતિસાદ તંત્ર સક્રિય રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.

કચ્છની ભૌગોલિક અને સુરક્ષાત્મક મહત્વને ધ્યાને લઈ ડૉ. રાવે જમીન અને દરિયાઈ બંને સરહદે ચુસ્ત દેખરેખ, ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને એજન્સીઓ વચ્ચે ‘સીમલેસ’ સંકલન પર ભાર મૂક્યો હતો.

આ વ્યૂહાત્મક મુલાકાતથી કચ્છની સરહદી સુરક્ષા વ્યવસ્થામાં નવી ઉર્જા પ્રવેશી છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે ગુજરાત પોલીસની સજ્જતા વધુ મજબૂત બની હોવાનું સ્પષ્ટ સંદેશ મળ્યો છે.

Most Popular

To Top