Vadodara

વડોદરા રેલવે લાઈન પર બોમ્બનો ડ્રામા : મુખ્ય આરોપી મુસ્તાક શેખના 8 દિવસના રિમાન્ડ મંજૂર

કોન્ટ્રાક્ટ એક્સટેન્શન માટે રચ્યું ષડયંત્ર, મોબાઇલ એફએસએલમાં મોકલાયો


(પ્રતિનિધિ) વડોદરા, તા. 23
વડોદરા શહેર નજીક અનગઢ ગામના નવાપુરા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પર બોમ્બ જેવો સંદિગ્ધ વિસ્ફોટક પદાર્થ મળ્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બોમ્બ મુકાયો હોવાની ફરિયાદ કરનાર જ રેલવેનો કોન્ટ્રાક્ટ પર કામ કરતો કર્મચારી મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી મુસ્તાક અહમદ મોહમદ શેખના 8 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નિવૃત્ત આર્મી કર્મચારી અને હાલ રેલવેમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 47 વર્ષીય મુસ્તાક શેખ (મૂળ કાશ્મીર)એ પોતાના કોન્ટ્રાક્ટને એક્સટેન્શન મળે તે માટે ષડયંત્ર રચ્યું હતું. તેણે લગ્ન પ્રસંગોમાં વપરાતા ‘કોલ્ડ પાયરો’ નામના પદાર્થને બોમ્બ જેવો દેખાય તે રીતે રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે જ બોમ્બ મુકાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નંદેસરી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ફરિયાદી મુસ્તાકની હલચલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે જાતે જ કોલ્ડ પાયરો ટ્રેક પર મુક્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીની વધુ પૂછપરછ માટે 2 માર્ચ સુધીના, કુલ 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોબાઇલ કબજે, એફએસએલમાં મોકલાયો
ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની વધુ પૂછપરછ માટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીનો મોબાઇલ ફોન કબજે કરીને સીડીઆર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. હાલ સુધી અન્ય કોઈની સંડોવણી બહાર આવી નથી. આરોપી વિરુદ્ધ તેના વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top