Vadodara

ફતેગંજમાં ‘જળબંબોળ’, પાણીની લાઈન લીકેજ થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા

પાલિકાની ગંભીર બેદરકારી, વગર વરસાદે ફતેગંજ સર્કલ પાસે પાણી ફરી વળતા વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

(પ્રતિનિધિ), વડોદરા. તા.23

વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે કોર્પોરેશનની કામગીરી અને જાળવણીના લીરેલીરા ઉડ્યા છે. શહેરના વ્યસ્ત એવા ફતેગંજ સર્કલ પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. આ ગંભીર બેદરકારીને કારણે વગર વરસાદે વિસ્તારના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફતેગંજ વિસ્તાર એ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર અને શૈક્ષણિક હબ ગણાય છે. ત્યારે આજે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાલિકાના તંત્રને આ બાબતે જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. એક તરફ ઉનાળાની શરૂઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની તંગીની બૂમો પડી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીને કારણે લાખો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. જો આ રીતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ અને લીકેજ સર્જાશે તો આવનાર ઉનાળામાં શહેરીજનો ગંભીર પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. વ્હેલી તકે સમસ્યાનો નિકાલ થાય અને આ લીકેજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top